સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેતાં કલેકટર
ખેડૂતોએ પોતાના લાભ માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી અનિવાર્ય - કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ

તા.19/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેડૂતોએ પોતાના લાભ માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી અનિવાર્ય – કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલા નારાયણભાઈ લકુમના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલએ મુલાકાત લીધી હતી નારાયણભાઈ લકુમ છેલ્લા ૨૦૧૯ થી પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અપનાવીને અદ્યતન મોડેલ ફાર્મનું નિર્માણ કરી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે આ મુલાકાત દરમિયાન કલેકટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલે ખેડૂત પાસેથી પ્રાકૃતિક કૃષિના અનુભવો જાણ્યા બાદ પ્રાકૃતિક ખેતીને ઓછી ખર્ચાળ અને અત્યંત નફાકારક ગણાવી હતી. તેમણે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો આત્મનિર્ભર બનશે પરિવારની તંદુરસ્તી જળવાશે અને જમીન ફળદ્રુપ બનશેવઆ લાભ ખરેખર ખેડૂત પરિવારને જ થાય છે આથી ખેડૂતોએ પોતાના લાભ માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી અનિવાર્ય છે તેમણે આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગરને વધુમાં વધુ મોડેલ ફાર્મ પર ખેડૂતોને પ્રેરણા મળે તે માટે તાલીમો આપવાનું સૂચન પણ કર્યું હતું આ તકે ખેડૂત નારાયણભાઈએ પ્રાકૃતિક ખેતીના સ્વઅનુભવો વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને જો સિદ્ધાંતોને અનુસરીને ધીમે ધીમે આગળ વધવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, તેમના ખેતરમાં મુખ્ય પાક તરીકે પપૈયા અને શરૂઆતમાં તેની સાથે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું ડુંગળીનો પાક લેવાઈ ગયો હોવાથી, એક જ ખેતરમાંથી તેમને સહયોગી પાકની આવક પણ મળી આ આવકનો ઉપયોગ મુખ્ય પપૈયાના પાકના પ્રારંભિક ખર્ચને પહોંચી વળવા માટે થયો જેનાથી પપૈયાના વેચાણમાંથી થતી આવક સંપૂર્ણપણે નફા સ્વરૂપે રહેશે નારાયણભાઈએ પ્રાકૃતિક ખેતીના અન્ય ફાયદાઓ પર ભારપૂર્વક જણાવ્યું કે આ ખેતીમાં જમીનની ખેડ કરવામાં આવતી નથી અને ઘાસ-કચરો જમીનમાં જ રહેતો હોવાથી પાણીની નિતારશક્તિ વધે છે છેલ્લા લગભગ ૨૫ દિવસથી સતત વરસાદ હોવા છતાં તેમના ખેતરમાં બિલકુલ પાણી ભરાયા નથી જ્યારે આસપાસના અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે તેમના આ અનુભવથી આસપાસના પપૈયાની ખેતી કરતા ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે અને તેમના ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ, તાલુકા આત્મા બીટીએમ સંજય રાઠોડ અને સમગ્ર તાલુકા ટીમ સહિતના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





