ગુજરાત શહેરી વિકાસના ‘૨૦ વર્ષ’ની ઐતિહાસિક ઉજવણી: નવસારીમાં કુલ ૫૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિ પૂજન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના અભિગમ અંતર્ગત, ગુજરાત શહેરી વિકાસ ‘વર્ષ-૨૦૨૫’ની ભવ્ય ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નવસારીના જે.એન. ટાટા મેમોરિયલ સેન્ટરમાં યોજવામાં આવી હતી. વર્ષ ૨૦૦૫માં શરૂ થયેલી શહેરી વિકાસની યાત્રાના ૨૦ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને આપણાં નવસારીના લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલ મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
શહેરી વિકાસ ‘વર્ષ-૨૦૨૫’ની ભવ્ય ઉજવણી કાર્યક્રમની શરૂઆતમાં માનનીય મંત્રીશ્રીના હસ્તે ત્રણ મહત્વપૂર્ણ પહેલોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ‘યુડીવાય ઇવેન્ટ બુક’નું વિમોચન, ‘નવસારી હેરિટેજ એન્ડ ટુરિઝમ’ પહેલનું વિમોચન અને ‘ફ્લડ પ્લાન બુકલેટ’નું અનાવરણનો સમાવેશ થાય છે. આ પહેલો શહેરના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ, પ્રવાસનને પ્રોત્સાહન અને શહેરને જલપ્રલયથી મુક્ત રાખવા માટે માર્ગદર્શક તરીકે સાબિત થશે.
આ કાર્યક્રમનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ હતું નવસારી મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૧૮૫૮ કરોડ રૂપિયા મૂલ્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન. માનનીય મંત્રીશ્રીના વરદહસ્તે કુલ ૫૧ કાર્યોનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં ૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ૪૭ વિકાસ કાર્યોનું ભૂમિ પૂજનનો સમાવેશ થાય છે. આ પૈકી ૧૫૩ કરોડ રૂપિયા મૂલ્યના કાર્યો લોકાર્પિત કરવામાં આવ્યા, જ્યારે ૧૭૦૪ કરોડ રૂપિયા મૂલ્યના નવા કાર્યોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં શ્રી પરેશભાઈ દેસાઈ (માન. પ્રમુખ, જિલ્લા પંચાયત, નવસારી), શ્રી આર.સી. પટેલ (માન. ધારાસભ્ય, જલાલપોર), શ્રી રાકેશભાઈ દેસાઈ (માન. ધારાસભ્ય, નવસારી), શ્રી નરેશભાઈ પટેલ (માન. ધારાસભ્ય, ગણદેવી) તેમજ નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી, નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડીડીઓ શ્રી, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, મહાનગર પાલિકાના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા વહીવટી અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમના અંતિમ ભાગમાં, રાષ્ટ્રીય સપોર્ટ દિવસ અને હોકીના ભારત રત્ન એવા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીના નિમિત્તે, ‘એનએમસી સાયક્લોથન ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું. મુખ્યાતિથિઓએ ગ્રીન ફ્લેગ ઓફ કરી આ સાયક્લોથનનો ટાટા હોલથી શરૂઆત કરી સર્કિટ હાઉસ સુધીનો રૂટ પૂર્ણ કર્યો. આ કાર્યક્રમમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત નવસારીની જનતાએ ભારે સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો. આ પ્રકારે, શહેરી વિકાસની ઉજવણી સામાજિક જાગૃતિ અને યુવા ઉત્સાહ સાથે પૂર્ણ થઈ હતી.




