વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુર્ણા ખાતે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ત્રણ-દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ 2025-26એ મોટી સફળતા સાથે પૂર્ણ થયો છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગાસનનાં ટેકનિકલ સ્તરને વધુ ઉચ્ચ બનાવવાનો અને ગુણવત્તાયુક્ત નિર્ણાયક અધિકારીઓ તૈયાર કરવાનો હતો,જે ભારતમાં યોગાસનના વ્યાપક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલુ પૂરવાર થયુ છે.આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું ઉદ્ઘાટન યોગાસન ક્ષેત્રના અગ્રણી અને યોગાસન ભારત, રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળની માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના સચિવ અને ટેક્નિકલ ડિરેક્ટર ઉમંગ ડોનના હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે તેજસ્વિની સંસ્કૃતિ ધામનાં સ્થાપક બ્રહ્મવાદીની પ.પૂ.હેતલદીદી,આ કાર્યક્રમનાં મેનેજર નીલેશ કોસીયા, કાર્યક્રમ નિર્દેશિકા નમ્રતા વર્મા, કો-ઓર્ડિનેટર દિવ્યેશ રાઘોળીયા અને એસોસિએશનના કાર્યકારી સભ્ય કરણ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના 24 જિલ્લાઓમાંથી કુલ 117 ટ્રેઈની જજીસ (નિર્ણાયક અધિકારીઓ)એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તેમને યોગાસન ભારત હેઠળના વિશ્વ યોગાસનના 12 ઇવેન્ટ્સ, TSR (ટાઇમ, સ્કોરિંગ અને રિઝલ્ટ) સિસ્ટમ, માઇક્રો-માર્કિંગ સિસ્ટમ, તેમજ નિર્ણાયકો માટેના આવશ્યક અનુશાસન અને ડ્રેસ કોડ વિશે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરના કોડ ઓફ પોઈન્ટ્સ અને જજમેન્ટ માટે જરૂરી સોફ્ટ સ્કિલ્સ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આ વ્યાપક તાલીમથી નિર્ણાયકોને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર યોગાસન સ્પર્ધાઓનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ બનાવવામાં આવશે.ત્રણ દિવસના આ સઘન કાર્યક્રમ દરમિયાન તેજસ્વિની સંસ્કૃતિ ધામના સ્થાપિકા અને માર્ગદર્શિકા બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી દ્વારા સહભાગીઓને ધ્યાન, યોગ અને પ્રેરણાદાયક વક્તવ્યો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.તેમના દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ માટેના પ્રેરણાદાયક સંદેશાઓએ તમામ ટ્રેઈની જજીસમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો.આ કાર્યક્રમના સફળ સમાપન સમારોહમાં, ગુજરાત યોગાસનના ટેક્નિકલ ડિરેક્ટર મેઘ્નાબા ઝાલા, યોગાસન ભારત ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્ય નમ્રતા વર્મા અને પૂજ્ય હેતલ દીદીના શુભ હસ્તે તમામ ટ્રેઈની જજીસને સત્તાવાર કિટ્સ અને સર્ટિફિકેટ ઓફ અટેન્ડન્સ એનાયત કરવામાં આવ્યા હતા.ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત આ રાજ્ય કક્ષાનો ટ્રેનિંગ કાર્યક્રમ તેજસ્વિની સંસ્કૃતિ ધામમાં નિર્વિધ્ને સંપન્ન થયો છે.આ અભિયાન યોગાસનના ટેકનિકલ સ્તર ઉપર ગુણવત્તાવાળા અધિકારીઓ તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પગલું સાબિત થયું છે,જે ભવિષ્યમાં ગુજરાત અને ભારતમાં યોગાસનના વધુ વિકાસ માટે મજબૂત પાયો નાખશે.