અમદાવાદની દુ:ખદ ઘટના બાદ ડાંગની દીપદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કરાયા..
MADAN VAISHNAVAugust 30, 2025Last Updated: August 30, 2025
5 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાજેતરમાં જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10નાં વિદ્યાર્થી નયન સંતાણીના દુ:ખદ અવસાનની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતા જગાવી છે.આ ઘટના બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા.જોકે આ ઘટના બાદ શાળા સંચાલકો હરકતમાં આવ્યા છે.અને શાળાનાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે કડક પગલા ભરવાની કવાયત હાથ ધરી છે. ડાંગ જિલ્લાની જાણીતી દીપદર્શન સ્કૂલ, આહવા દ્વારા પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈને કેટલાક નવા અને કડક નિયમોનું સૂચિપત્ર જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદની ઘટનામાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થતા, દીપદર્શન સ્કૂલ આહવાનાં સંચાલકોએ તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓની બેગ અને તેમના વર્તન પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.શાળા દ્વારા જાહેર કરાયેલા સૂચનોમાં વિદ્યાર્થીઓને દફતરમાં લોખંડની ફૂટપટ્ટી, કાતર, બ્લેડ, પેપર કટર, ટાંકણી અને લોખંડના કંપાસના સાધનો જેવી તીક્ષ્ણ વસ્તુઓ ન લાવવાની સૂચના આપવામાં આવી છે.ચકાસણી દરમિયાન આવી વસ્તુઓ મળી આવશે તો કડક શિક્ષા કરવામાં આવશે.જો કોઈ વિદ્યાર્થી પાસેથી ચપ્પુ, છરી કે અન્ય કોઈ તીક્ષ્ણ હથિયાર મળશે, તો તાત્કાલિક વાલીને બોલાવવામાં આવશે અને કડક શિક્ષાત્મક પગલા લેવાશે. શાળામાં કે બહાર મારામારી કરનાર વિદ્યાર્થીઓ પર પણ કડક કાર્યવાહી કરાશે અને તેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને પણ કરવામાં આવશે. જ્યાં સુધી વાલી ખુલાસો ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીને વર્ગખંડમાં પ્રવેશ નહીં મળે.વિદ્યાર્થીઓને ધક્કામુક્કી અને તોફાન ન કરવાની સૂચના અપાઈ છે. શાળા શરૂ થતા અને છૂટવાના સમયે સીડી પર લાઈનબદ્ધ અને શિસ્તબદ્ધ ચડવા-ઉતરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ વિદ્યાર્થી અન્યને હેરાન કરતો હોય કે ધાક-ધમકી આપતો હોય, તો તુરંત આચાર્યને જાણ કરવા જણાવ્યું છે.વાલીઓને તેમના બાળકની સ્કૂલબેગ નિયમિતપણે તપાસવાની અને તેમને મોબાઈલ-ઓનલાઈન ગેમથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે.વાલીઓએ પોતાના બાળકના વર્તન અને પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ તમામ સૂચનોનું પાલન ન કરનાર વિદ્યાર્થીઓ કે વાલીઓ પર નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ શાળા સંચાલકોએ આપી છે.આ પગલા દ્વારા દીપદર્શન સ્કૂલ આહવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શિસ્ત કેળવીને શાળાના વાતાવરણને સુરક્ષિત અને ભયમુક્ત બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેનો છે..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVAugust 30, 2025Last Updated: August 30, 2025