કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં મૂળભૂત સુવિધાઓની માંગ: સુવિધાઓ નહીં તો પ્રતિક ઉપવાસ ની આપી ચેતવણી.

તારીખ ૦૯/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના વોર્ડ નંબર – 4 વિસ્તારમાં વર્ષોથી ચાલતી ગંભીર નાગરિક સમસ્યાઓ અંગે આજે વોર્ડના ચારેય ચૂંટાયેલા કાઉન્સિલરો જેમાં મીનાબેન કે.સુથારીયા, સાયરાબીબી એ.કાનોડિયા,હર્ષદપુરી એ.ગોસાઈ, અબ્દુલસલામ કોસિયા તેઓ ચારેય દ્વારા નગરપાલિકા કાલોલના મુખ્ય અધિકારીને કાયદેસર લેખિત અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.વોર્ડ નં. 4 માં રસ્તા, પીવાનું પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ તથા ચોમાસાના પાણીના નિકાલ જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ છેલ્લા અનેક વર્ષોથી અવગણાઈ રહી છે. કેટલાક કામો માટે તો ઘણા સમય પહેલાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં પણ કામો શરૂ કરવામાં આવ્યા નથી, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.ખાસ કરીને હાઈવે (રાધેશ્યામ કોમ્પલેક્ષ વાળો ઢાળ) થી જલારામ નગર સોસાયટી સુધીનો મુખ્ય રસ્તો, ગધેડિયા ફળિયામાં ખુલ્લું અને જોખમી નાળું, માઁ રેસીડેન્સી વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી પીવાના પાણીની સુવિધાનો અભાવ, ભાગ્યોદય સોસાયટીમાં ચોમાસાના પાણીનો નિકાલ ન હોવો તેમજ કાલોલના મુખ્ય ગેટથી ભાથીજી મહારાજના મંદિર સુધી (બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર) ગટરલાઇનની 7 વર્ષથી સફાઈ ન થવી જેવી સમસ્યાઓ ગંભીર બની ગઈ છે.કાઉન્સિલરોનો આક્ષેપ છે કે વોર્ડમાં દલિત, લઘુમતી અને ઓબીસી સમાજની વસ્તી વધુ હોવાના કારણે ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જે બંધારણીય સમાનતાના સિદ્ધાંતના વિરુદ્ધ છે.આ તમામ મુદ્દાઓ અંગે નગરપાલિકા તંત્રને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયમર્યાદામાં કોઈ નક્કર અને મેદાન પર દેખાય તેવી કાર્યવાહી નહીં થાય, તો તારીખ 19 જાન્યુઆરી, 2026 થી વોર્ડ નંબર 4 ના ચારેય કાઉન્સિલર અચોક્કસ મુદતના શાંતિપૂર્ણ પ્રતિક ઉપવાસ પર બેસશે, તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. અને આ બાબતે PMO પોર્ટલ, પંચમહાલ જિલ્લા કલેક્ટર ને પણ જાણ અર્થે લેખિત રજૂઆત કરવામાં આવશે તેમ જણાવાયું છે.






