‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં વિશાળ પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ- દેશમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ વધારવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ‘ઓપરેશન શીલ્ડ’ના ભાગરૂપે અમદાવાદના શાહીબાગ સ્થિત સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં વિશાળ પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાને અનુસરીને યોજાયો હતો, જેમાં નાગરિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રક્ષણ માટેની તૈયારીઓ અંગે તાલીમબદ્ધ કરવાનું મુખ્ય હેતુ છે. મોકડ્રીલમાં વિવિધ છ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરાયો હતો, જેમાં સાઈલેન્ટ રિકોલ અને વોલન્ટીયર મોબિલાઇઝેશન, એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ્સ, બ્લડ ડોનેશન કેમ્પ તથા ઈવેક્યુએશન ડ્રિલ સામેલ હતાં.
મોકડ્રીલ દરમિયાન હવાઈ હુમલાના સાયરન વગાડાયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા અને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રે 7:45થી 8:15 દરમિયાન નક્કી કરાયેલ વિસ્તારમાં પૂર્ણ બ્લેકઆઉટ અમલમાં મુકાયો હતો.
આ તકેદારીભર્યું અભ્યાસ સમગ્ર વિસ્તારમાં યથાર્થ રીતે અમલમાં મૂકવા માટે નાગરિક સંરક્ષણ, સૈન્ય, પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, એનસીસી કેડેટ્સ અને મહેસૂલ વિભાગ સહિતની વિવિધ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે 300થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.
આ અવસરે અમદાવાદના અધિક કલેકટર યોગેશ ઠકકર, ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ દિલીપ ઠાકર, અગ્રણી બાબુભાઈ ઝડફિયા, કેન્ટોનમેન્ટના સ્ટેશન કમાન્ડ સિદ્ધાર્થ, અસારવા મામલતદાર જીતેન્દ્ર દેસાઈ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
મોકડ્રીલના અંતે અધિકારીઓએ જણાવ્યું કે આવા અભ્યાસ લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને તેમને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સામે તૈયારી માટે તૈયાર કરે છે. ગુજરાતના પશ્ચિમી સરહદી રાજ્યોમાં આવી તૈયારીઓ ભારત સરકાર દ્વારા તાત્કાલિક કાર્યરત કરવામાં આવી રહી છે.
મોકડ્રીલ અને બ્લેકઆઉટ એક્સરસાઈઝ શું છે?
મોકડ્રીલ એ એવાં કસોટીગત અભ્યાસ છે જેમાં હવાઈ હુમલા કે અન્ય કટોકટી સર્જાય તો તંત્ર અને નાગરિકોની તૈયારીઓ કેટલાં હદે અસરકારક છે તેનો અહેસાસ થાય છે.
બ્લેકઆઉટ એક્સરસાઈઝમાં નિર્ધારિત સમયગાળામાં આખા વિસ્તારમાં લાઈટો બંધ રાખીને દુશ્મનની દૃષ્ટિથી બચવાનો પ્રયાસ થાય છે, જેનાથી હુમલાના સમયે વિસ્તાર નક્કી કરવા દુશ્મનને મુશ્કેલી પડે.










