દહેજના ટાવર ફળિયામાં થયેલી ચોરીનો ભેદ દહેજ પોલીસે ઉકેલ્યો, પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ અને બે સોનીઓને ઝડપી પાડ્યા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજમાં થોડા દિવસો પહેલા ટાવર ફળિયાના એક બંધ મકાનમાં 81 હજારથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ દહેજ પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો અંદાજીત 78 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
દહેજના ટાવર ફળિયામાં રહેતાં અને મુળ દાહોદના ખંગેલા ગામના કરશન મગન બારીયા 5મી ડિસેમ્બરે પરિવાર સાથે દહેજથી વતનમાં ગયાં હતાં.આ સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનો લાભ ઉઠાવી ઘરનો લોખંડનો દરવાજો તોડી રૂમ પ્રવેશી તિજોરીનો દરવાજો પણ તોડી તેમાં રહેલા 8 હજાર રૂપિયા રોકડા તેમજ 73 હજારથી વધુના ચાંદીના દાગીના સહિત કુલ 81 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી થયો હતો.આ મામલે ફરિયાદીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂં મેળવવાની કવાયત હાથ ધરી છે.
આ ચોરીની ઘટનામાં દહેજ પીઆઈ એચ.બી.ઝાલા એ તેમની ટીમના માણસોને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપી હતી.તે દરમ્યાન સર્વેલન્સ ટીમના અ.હે.કો. દિપજય ગગજીભાઈ તથા અ.પો.કો. અરવિંદભાઇ હિંમતરામને માહિતી મળી હતી.કે, દહેજના ટાવર ફળિયામાં થયેલી ચોરીમાં દહેજ ગામમાં રહેતો અનિલ રાઠોડ નામનો ઇસમ સંડોવાયેલો છે.જે માહિતીના આધારે અનિલ રાઠોડને લાવી તેની પૂછતાજ કરતાં તેણે ચોરીના ગુનાની કબૂલાત કરી હતી અને ચોરીનો મુદ્દામાલ દહેજ ખાતે આવેલી શ્રી શિવશક્તિ તેમજ વાગરા ખાતે આવેલા શિવ જવેલર્સ નામની દુકાનોમાં સોનીઓને વેચાણ કર્યું છે.જેથી દહેજ પોલીસે દહેજની જૂની પંચાયતના પાસેના રાહુલ સંતોષભાઈ સોની અને આમોદના રમેશચંદ્ર બાલુલાલ સોનીને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો બે ચાંદીના કડા આશરે 300 ગ્રામ વજનાના કિં.રૂ.27,600,બે ચાંદી ના છડા આશરે 300 ગ્રામ વજનના કિં.રૂ.27, 600, ચાર ચાંદીના છડા આશરે 200 ગ્રામ વજનના કિં.રૂ. 18,400 રોકડા રૂપીયા 5,000 મળીને કુલ રૂ.78, 600 નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



