DAHODDEVGADH BARIA

સરકારની નિયત સાફ છે, એમને આપણા વિસ્તારના લોકોને શિક્ષા અને યુવાનોને નોકરી આપવી નથી: ચૈતર વસાવા

ગાંધીજીએ હિંદ છોડો આંદોલન શરૂ કર્યું હતું, એ રીતે અમે પણ 156ની ભાજપ સરકારને ઘર ભેગી કરવા માટે વિધાનસભા છોડો આંદોલન શરૂ કરીશું: યુવરાજસિંહ જાડેજા

જો સરકારે જ્ઞાન સહાયક યોજના રદ ન કરી અને કાયમી શિક્ષકોની ભરતી ન કરી તો આવનારા સમયમાં સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું: ચૈતર વસાવા

અમદાવાદ/દાહોદ/તાપી/ગોધરા/ભરૂચ/છોટાઉદેપુર/ગુજરાત

જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરાવવા અને શિક્ષકોની કાયમી ભરતી શરૂ કરાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યુવા અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું. આજે 17મી ઓક્ટોબરના રોજ આ યાત્રાનો પાંચમો દિવસ છે. આજે સવારે દેવગઢ બારીયાથી આગળ વધીને દાહોદ પહોંચ્યા બાદ સાંજે આ યાત્રા ગોધરા પહોંચી હતી. તારીખ 13 ઓક્ટોબરના રોજ દાંડીથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. 20 ઓક્ટોબરના રોજ અમદાવાદ પહોંચશે અને ગાંધી આશ્રમ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોની સાથે સાથે જિલ્લા, તાલુકા અને શહેરના પ્રમુખ તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તમામ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રાને જનતા તરફથી ખૂબ જ જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે.

આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રજા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે, એક બાજુ સરકાર વિશ્વ ગુરુ બનવાની વાત કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરે છે, તો શા માટે દાહોદ જિલ્લાની 102 શાળામાં ફક્ત એક જ શિક્ષક છે? સરકારની નિયત સાફ છે કે આ વિસ્તારના લોકોને શિક્ષા આપવી નથી અને યુવાનોને નોકરી આપવી નથી. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા લોકોને શિક્ષાની જરૂરત છે, રોજગારની જરૂરત છે, પીવાના પાણીની જરૂરત છે, સિંચાઈના પાણીની જરૂરત છે. આ મૂંગી અને બેહરી સરકારને જગાડવા માટે અમે છેલ્લા પાંચ દિવસથી આ યાત્રા કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સત્યાગ્રહ છાવણી અને ગાંધીઆશ્રમ ખાતે મોટી સભા થશે. ત્યારબાદ પણ જો સરકારે જ્ઞાન સહાયક યોજના રદ ન કરી અને કાયમી શિક્ષકોની ભરતી ન કરી તો આવનારા સમયમાં સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપને 156 સીટો આપી અને એની સામે ભાજપે શિક્ષણ વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને આપણા બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ કરી દીધું. આ કુવ્યવસ્થાની સામે આપણી લડાઈ છે. આ સરકાર ઊંધી છે એના કારણે આપણે પણ ઉંધી દાંડી યાત્રા શરૂ કરી છે. જો હજુ પણ આ સરકાર જાગી નહીં, તો જે રીતે ગાંધીજીએ હિંદ છોડો આંદોલન શરૂ કર્યું હતું એ રીતે અમે પણ 156ની ભાજપ સરકારને ઘર ભેગી કરવા માટે વિધાનસભા છોડો આંદોલન શરૂ કરીશું. જ્ઞાન સહાયકની કોન્ટ્રાક્ટ પદ્ધતિ જરા પણ યોગ્ય નથી, કારણ કે આમાં શિક્ષકોનું પણ શોષણ થશે, બાળકોનું પણ શોષણ થશે અને શિક્ષા વ્યવસ્થા માટે પણ આ ખતરા સમાન છે. આ સરકારી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. માટે કોઈ પણ સંજોગે હવે આ બધું સહન કરવાનું નથી. અમે શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ કાયદાને રદ કરવામાં આવે. 20 ઓક્ટોબરના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમ કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!