દાહોદ શહેરમાં ઘરફોડ ચોરી થાય તે પહેલા ધાડપાડુ પારધી ગેંગના સાત લૂંટારાને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

તા.૦૫.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં ઘરફોડ ચોરી થાય તે પહેલા ધાડપાડુ પારધી ગેંગના સાત લૂંટારાને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
રાતના અંધકારમાં ધાડની સાજિશ,દાહોદમાં આંતરરાજ્ય પારધી ગેંગનો ખતરનાક પ્લાન પોલીસએ નિષ્ફળ બનાવ્યો
દાહોદ શહેરમાં રાત્રિ ધીમે ધીમે ઘેરાઈ રહી હતી. ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર ઓછી થવા લાગી હતી. શહેરના મોટા ભાગના લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા. પરંતુ આ જ સમયે શહેરની બહાર એક ખુલ્લી જગ્યામાં સાત લોકો શાંતિથી બેઠા હતા. તેમની નજર રસ્તા પર હતી અને મનમાં ચાલી રહી હતી એક મોટી ધાડની તૈયારી પરંતુ આ 7 લોકો સામાન્ય લોકો નહોતા. આ હતી મધ્યપ્રદેશથી દાહોદ સુધી પહોંચેલી કુખ્યાત આંતરરાજ્ય પારધી ગેંગ. વર્ષોથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, જેવા અલગ અલગ રાજ્યોમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી આ ગેંગ ફરી એકવાર કોઈ મોટા ગુનાની તૈયારીમાં હતી.દાહોદના મહિન્દ્રા શોરૂમ સામે આરટીઓ ઓફિસ નજીક અંધારામાં બેઠેલા આ આરોપીઓએ પહેલેથી જ આખી યોજના તૈયાર કરી દીધી હતી. કોણ કયા રસ્તેથી જશે, કઈ જગ્યાએ ધાડ પાડવાની છે અને જો કોઈ સામનો કરે તો કેવી રીતે ભાગવું — બધું નક્કી થઈ ચૂક્યું હતું.પણ ગેંગને ખબર નહોતી કે તેમની દરેક હરકત પર પોલીસની નજર પડી ગઈ છે.એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઢોલને એક ગુપ્ત બાતમી મળી. માહિતી ગંભીર હતી. દાહોદમાં મોટી લૂંટ અથવા ધાડ થવાની શક્યતા હતી. બાતમી મળતા જ એલસીબી પીઆઈ,પીએસઆઈ અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો તરત જ એક્શનમાં આવી ગઈ.રાતના અંધકારમાં પોલીસ ટીમોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો. ટોર્ચના અજવાળે ધીમે ધીમે આગળ વધતી પોલીસ ગેંગ સુધી પહોંચી ગઈ. આરોપીઓને શંકા પણ ન જાય એ રીતે વોચ ગોઠવાઈ. અને પછી એક સંકેત મળતા જ પોલીસ આરોપીઓ પર તૂટી પડી.એક ક્ષણ માટે આરોપીઓ ગભરાઈ ગયા. ભાગવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ પોલીસનો ઘેરાવો એટલો મજબૂત હતો કે કોઈ છટકી શક્યું નહીં. સાતેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા.પકડાયેલા આરોપીઓની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી. તેમની પાસે માત્ર સામાન્ય સાધનો નહોતા, પરંતુ જાણે કોઈ મોટી ધાડ માટે આખી તૈયારી સાથે આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. લોખંડના સળીયા કાપવાનું હાઇડ્રોલિક કટર, તાર કાપવાની કટર, લોખંડનો ઘણ, દસ્તા, છરા અને ગીલોલ જેવા મારક હથિયારો મળી આવ્યા પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આ સાધનોનો ઉપયોગ ઘરો અને દુકાનોના તાળા તોડવા માટે કરતા હતા. જો કોઈ સામનો કરે તો છરા અને ગીલોલ વડે હુમલો કરવામાં આવતો. કુતરાઓને ભગાડવા અને લોકોને દૂર રાખવા માટે પણ ગીલોલનો ઉપયોગ થતો હતો.પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા. કેટલાક આરોપીઓ સામે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા. અનેક કેસોમાં તેઓ લાંબા સમયથી ફરાર હતા. કેટલાક આરોપીઓ સામે ધરપકડ વોરંટ પણ બાકી હતા.આ ગેંગનું કામ કરવાની રીત પણ ફિલ્મી હતી. પહેલા શહેરમાં આવી દિવસો સુધી રેકી કરવી. પછી સુમસામ જગ્યા પસંદ કરવી. અને ત્યારબાદ મધરાતે હથિયારો સાથે ધાડ પાડવી. પરંતુ આ વખતે દાહોદ પોલીસની સતર્કતા સામે તેમનો પ્લાન નિષ્ફળ ગયો.દાહોદ જિલ્લા પોલીસે સમયસર કાર્યવાહી કરી માત્ર આરોપીઓને જ ઝડપી પાડ્યા નહીં, પરંતુ એક મોટી ધાડ અને ગંભીર ગુનાને બનતા પહેલા જ અટકાવી દીધો.રાતના અંધકારમાં ઘડાયેલી આ સાજિશ આખરે પોલીસના તેજસ્વી એક્શન સામે ફેલ થઈ ગઈ



