વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં આગેવાનોએ આહવા નગરની શાન એવા તળાવની મુલાકાત માટે મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ પાઠવતા હોવાનાં પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં
આજરોજ ગુજરાતનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કન્યા કેળવણી મહોત્સવમાં ડાંગ જિલ્લાનાં બિલીઆંબા શાળા ખાતે હાજરી આપવાનાં હોય જેથી ડાંગ જિલ્લાની કૉંગ્રેસ સમિતિ હરકતમાં આવી હતી.ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા કન્યા કેળવણી મહોત્સવની સાથે આહવા નગરની શાન એવા તળાવની પણ મુખ્યમંત્રીને મુલાકાત લેવા માટે ભાવભીનુ આમંત્રણ પાઠવતા પોસ્ટરોને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.ડાંગ જિલ્લાનાં આહવા નગરનું એકમાત્ર તળાવની દશા દયનીય હાલતમાં જોવા મળે છે.આ તળાવમાં ચારે બાજુ જળકુંભીએ ભરડો લીધો છે.આહવાનાં નગરજનો સામાજીક કાર્યક્રમોમાં આ તળાવનાં પાણીનો ઉપયોગ કરે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રની ટીમ દ્વારા આ તળાવની વ્યવસ્થા ન જાળવતા તળાવની હાલત દયનિય બની જવા પામી છે.અગાઉ ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આહવા તળાવ ખાતે બોટમાં બેસી સાફ સફાઈ અભિયાન હાથ ધરી તળાવનાં રીનોવેશન માટેનું ખાતમુહુર્ત કર્યુ હતુ.જે બાદ આહવા નગરવાસીઓમાં એક નવી આશા બધાંઈ હતી.પરંતુ તંત્રએ નગરજનોની આશા પર પાણી ફેરવી દેતા તળાવ ગંદકીમાં ફેરવાઈ જવા પામ્યુ છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહુર્ત કરાવેલ આહવાનાં રૂપાળા તળાવની દશા હાલમાં બદતર બની ગઈ છે.જે અંગે થોડા દિવસ પૂર્વે ડાંગ કૉંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેએ તંત્ર સહિત પદાધિકારીઓને લેખિતમાં રજુઆત કરી હતી.પરંતુ જાણે તંત્રનાં અધિકારીઓનું પેટનું પાણી પણ ન હાલતા આ તળાવની દશા જેમ ને તેમ જ હાલતમાં જોવા મળે છે.તેવામાં આજરોજ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કન્યા કેળવણી મહોત્સવમાં ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં બીલીઆંબા પ્રાથમિક શાળામાં પધારવાનાં છે.ત્યારે ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં કાર્યકરી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે અને કૉંગ્રેસ આઈ.ટી.સેલનાં પ્રમુખ મનિષભાઈ મારકણા દ્વારા પધારી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આહવા નગરનાં શાન એવા તળાવની મુલાકાત લેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવતાનાં પોસ્ટરો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.ત્યારે ડાંગ જિલ્લામાં પધારનાર મુખ્યમંત્રી નક્કર પગલા ભરશે કે પછી આ તળાવની દશા જેમની તેમ જ રહેશે તે અંગેનો ગણગણાટ હાલમાં ટોક ઓફ ટાઉન બન્યો છે.ડાંગ કૉંગ્રેસ સમિતિએ આહવા તળાવ અંગેનાં પોસ્ટરો વાયરલ કરતા વહીવટી તંત્રની ટીમે તળાવ નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.