વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં મહિલાની ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.બનાવી તેને બદનામ કરનારી એક મહિલા આરોપીની વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેથી ધરપકડ કરી છે.સાઈબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા ટેક્નિકલ સોર્સ અને એનાલિસિસની મદદથી આ ગુનો ગણતરીના સમયમાં ઉકેલ્યો છે.આહવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેની ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવવામાં આવી છે. આ નકલી આઇ.ડી. પર ફરિયાદી બહેનના અંગત ફોટાઓ તેમજ અન્ય અશ્લીલ ફોટાઓ સ્ટોરીમાં મૂકીને તેમને બદનામ કરવામાં આવી રહ્યા હતા. ફરિયાદીને માનસિક ત્રાસ આપવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ કૃત્ય કરવામાં આવ્યું હતું, જે અંગે આહવા સાયબર ક્રાઇમ પો.સ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. ટીમે ટેક્નિકલ સોર્સ અને ટેક્નિકલ એનાલીસીસની મદદથી ફેક આઇ.ડી.બનાવનાર વ્યક્તિનું લોકેશન અને ઓળખ સ્થાપિત કરવા માટે સઘન વર્ક આઉટ કર્યું હતુ.આ મહેનતના પરિણામે પોલીસને જાણ થઈ કે આ ગુનો કરનાર મહિલા આરોપી ધરમપુર ખાતે છે.જે બાદ આહવા સાયબર ક્રાઇમની ટીમે ધરમપુર ખાતે પહોંચીને ગુનો કરનાર મહિલા આરોપીને ઝડપી પાડી હતી અને આ સમગ્ર ગુનાનો સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો હતો.સાઈબર પોલીસે આ ગુનામાં નિમીષાબેન જયેશભાઈ હળપતિ (ઉ.વ.૨૦, રહે. ધરમપુર, તા. ધરમપુર, જી. વલસાડ) ની અટકાયત કરી છે.હાલમાં પોલીસે નિમીષાબેન પાસેથી મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો છે.આ સફળ કાર્યવાહીથી સાયબર ક્રાઇમ પોલીસે મહિલાઓની સુરક્ષા અને બદનામીના ઈરાદે થતા ગુનાઓ સામે કડક પગલાં લેવાની પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. ત્યારે પોલીસે આ અંગે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે..