
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*સ્નેહ મિલન અને ચિંતન શિબિરમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા*
ડાંગ જિલ્લાના વતની અને હાલ જિલ્લામાં તથા જિલ્લા બહાર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનું એક ભવ્ય સ્નેહ મિલન સમારોહ અને ચિંતન શિબિર , ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), વઘઈ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયુ. સહ્યાદ્રી ડેવલપમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં પ્રવૃત્ત અને નિવૃત્ત મહાનુભાવો જોડાયા હતા.મંડળના પ્રમુખ આનંદભાઈ બાગુલ અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ માળીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. મધુભાઈ એન. ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડો. બી.એમ. રાઉતે તમામ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સૌએ પોતાનો સ્વ-પરિચય આપીને કાર્યક્રમને આગળ વધાર્યો હતો.આ સ્નેહ મિલન સમારોહ માત્ર પરિચય પૂરતો સીમિત ન રહેતા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને કારકિર્દીના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરમાં પરિવર્તિત થયો હતો. ઉપસ્થિત સૌએ જિલ્લાના વિદ્યાર્થીઓનાં શિક્ષણ, રોજગાર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કર્યો.યુવાનોને સરકારી સેવાઓમાં જોડાવા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો. એસ.એસ. માહલા કોલેજ, કુકડનખીના સહયોગથી GPSC/UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવાનો પ્રબંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.સૌથી પ્રશંસનીય પગલું એ લેવામાં આવ્યું કે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સૌએ સક્રિય તત્પરતા દર્શાવી.પ્રાથમિક શિક્ષણથી માંડીને મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે સહ્યાદ્રી ડેવલપમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ “આર્થિક હેલ્પ ડેસ્ક” ગ્રુપ તૈયાર કરવામાં આવશે. આ ગ્રુપનું સંચાલન ડાંગ જિલ્લાના પ્રાથમિક/માધ્યમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘની આગેવાની હેઠળ થશે. આ હેતુ માટે ડાંગ જિલ્લાના વતની અધિકારીઓ, પ્રોફેસર, તમામ સંવર્ગના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા મિત્રો ફંડ ભેગું કરી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તત્પર થયા છે.વિદ્યાર્થીઓ અને સમાજ માટે કલ્યાણકારી નિર્ણયો લેવાયા બાદ, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સૌએ શપથગ્રહણ કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. સુરેશભાઈ જે. ભોયે દ્વારા કરવામાં આવ્યુ હતુ. ડાંગ જિલ્લાના આ વતની અધિકારીઓ અને કર્મચારીઓએ એકજૂથ થઈને પોતાના વતનના ઉત્થાન માટે જે સંકલ્પ કર્યો છે, તે આવનારા સમયમાં જિલ્લાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિમિત્ત બનશે તેવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો..






