વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગત સોમવારે રાત્રીનાં અરસામાં વાદળ ફાટતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જેમાં આહવા તાલુકાનાં ચીકટિયા ગાઢવી વિસ્તારમાં પણ વાદળ ફાટતા રેલની પરિસ્થિતિનું નિર્માણ થતા ઠેર ઠેર વ્યાપક ધોવાણ થવાની સાથે ખાના ખરાબી સર્જાઈ હતી.ડાંગ જિલ્લાનાં ચિકટિયા વિસ્તારમાંથી પસાર થતી ખાપરી નદી ભયજનક સપાટી પાર કરતા ચિકટિયા વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી.ખાપરી નદીનું ભયાનક પુર ગામ સહીત જિલ્લા પંચાયતનાં માર્ગો પર ફરી વળતા જંગી નુકસાન થયુ હતુ.આ કુદરતી આપદાનાં પગલે ચિકટિયાથી ગાઢવીને જોડતો જિલ્લા પંચાયત હસ્તકનાં માર્ગની સાઈડનું વ્યાપક પણે ધોવાણ સહિત 4 જેટલા કોઝવેનાં એપ્રોચને નુકસાન થયુ હતુ.જેની જાણ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેર બી.એમ.પટેલને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.આ વિસ્તારનાં લોકોને અગવડ ન પડે તથા વાહન વ્યવહાર અકબંધ રહે તે માટે ગતરોજથી જ ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી.પટેલ તથા મદદનીશ ઈજનેર સાગરભાઈ ગંવાદેની ટીમ દ્વારા આ માર્ગમાં જેસીબી તથા ટ્રેકટર અને માનવબળ કામે લગાવી માર્ગ મરામતની યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી છે. ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની ટીમે ચિકટિયા ગાઢવી રોડ પરથી ધરાશયી થયેલ વૃક્ષો ,માટીનો મલબો સહિત ભેખડો હટાવવાની કામગીરી પુરજોશમાં હાથ ધરતા આસપાસનાં ગ્રામજનોએ કામગીરીને બિરદાવી છે.આ બાબતે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલે જણાવ્યુ હતુ કે ભારે વરસાદ અને પુરમાં અસરગ્રસ્ત થયેલ માર્ગો સહીત કોઝવે અને બ્રીજોની પરિસ્થિતિ પર પંચાયત માર્ગ મકાન વિભાગ સતત નજર રાખી રહ્યુ છે.છેવાડેનાં અને અંતરિયાળ વિસ્તારનાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે અમારી ટીમ રાઉન્ડ ધ કલોકની કામગીરીમાં જોડાઈ છે. હાલમાં અમારો ધ્યેય પ્રાથમિક તબક્કે વાહન વ્યવહાર માટે માર્ગને પુન સ્થાપિત કરવા માટેનો છે.સાથે સાથે માર્ગોની કાયમી મરામત અને મજબુતીકરણ માટેનાં વિગતવાર અંદાજ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.