વઘઇ પોલીસ મથકનાં કેન્સરથી પીડીત પોલીસ કર્મચારીને આર્થિક મદદ કરી માનવતાની મહેક પ્રસરાવતી ડાંગ જિલ્લા પોલીસ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં અગાઉ દેવી પ્રોજેક્ટ,સંવેદના પ્રોજેક્ટ,તેરા તુઝકો અર્પણ,પ્રવાસીમિત્ર અંતર્ગત સકારાત્મક કામગીરી તો કરી જ છે.જેમાં હાલમાં ડાંગ જિલ્લામાં એસપી તરીકે નવ નિયુક્ત થયેલ પૂજા યાદવે પણ લોકોની સાથે સાથે પોતાના વિભાગની પણ ખેવના કરતા જિલ્લા પોલીસ વિભાગની કામગીરી પ્રસંશાને પાત્ર બની છે.ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો જગદીશભાઈ ભલાભાઈને હાલમાં કેન્સરની ગંભીર બીમારી થયેલ હોય અને સારવારનો ખર્ચો અંદાજીત 10 થી 12 લાખ રૂપિયાનો હોય આ પરિવાર ભાંગી પડ્યો હતો.જેની જાણ ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવને થતા તેઓએ આ પીડિત પોલીસ પરિવાર માટે મદદ ની સાથે સકારાત્મક અભિગમ દાખવ્યો છે.ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.સરવૈયા તથા વઘઇ પોલીસ મથકના પી.આઈ.વી.કે.ગઢવી સહીત પોલીસ કર્મીઓની ટીમે અંદાજીત 3,80,000 રૂપિયા ભેગા કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.ડાંગ પોલીસ વડા પૂજા યાદવે આજરોજ 3.80 લાખની આર્થિક સહાય કેન્સર પીડિત હે.કો જગદીશભાઈ ભલા તેમજ તેમના પરિવારજનોને રૂબરૂ મળી આપતા આ પરિવારમાં સારવાર માટે નવુ આશાનું કિરણ બંધાયુ છે. વધુમાં ડાંગ જિલ્લા પોલીસ વડા સહીત નાયબ પોલીસ અધિક્ષક અને સમગ્ર જિલ્લા પોલીસ પરિવાર તેમની સાથે છે તેવી સાંત્વના આપી માનવતાની મહેક પ્રસરાવી છે.આ કિસ્સાને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફરી એકવાર સાબિત કરી બતાવ્યુ છે કે તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા કે અનુશાસન જ નહિ પરંતુ આમજનતાની સંવેદનાનો ઉકેલ સહિત પોતાના વિભાગનાં પોલીસ કર્મચારીઓની ખેવના પણ કરી રહ્યુ છે..




