
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે ૨૦ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી આંતરરાજ્ય તસ્કરોને દબોચ્યા; ગુજરાતના અનેક જિલ્લાના ચોરીના ભેદ ઉકેલાયા.
ડાંગ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રાજ્યની સરહદો ઓળંગીને ઘરફોડ ચોરી કરતી કુખ્યાત “ચામઠા ગેંગ” પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. છેલ્લા અઢી વર્ષથી ગુજરાત અને રાજસ્થાન પોલીસને હંફાવતા બે રીઢા ગુનેગારોને ડાંગ પોલીસે ફિલ્મી સ્ટાઈલે રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.સુરત રેન્જ IG પ્રેમવીર સિંહ અને ડાંગ SP પૂજા યાદવની સૂચના હેઠળ LCB PSI જે.જી. અનડકટ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સાપુતારા ચોરીનો મુખ્ય સૂત્રધાર લાલજી શિવાજી નટ તેના વતન રાજસ્થાનના કબ્જા ગામે છુપાયેલો છે.પોલીસે જ્યારે લાલજીના ઠેકાણે દરોડો પાડ્યો ત્યારે તે તેના સાથીદાર સાથે બાઇક પર ભાગવા લાગ્યો હતો. ડાંગ LCB ની ટીમે હિંમત હાર્યા વગર આશરે ૨૦ કિલોમીટર સુધી તેનો પીછો કર્યો અને અંતે બંનેને કોર્ડન કરી ઝડપી લીધા હતા.પકડાયેલા શખ્સોમાં લાલજી શિવાજી નટ (રહે. ડુંગરપુર, રાજસ્થાન) તથા સુદર્શન ઉર્ફે સુરેશ ચંદુ ચામઠા (રહે. ઝાલોદ, જી. દાહોદ)ની અટક કરેલ છે.પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપીઓએ પોપટની જેમ ગુના કબૂલ્યા હતા. તેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગેંગે માત્ર ડાંગ જ નહીં, પરંતુ પાટણ (ચાણસ્મા),ગાંધીનગર (માણસા) અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યુ છે.હાલમાં એલ.સી.બી પોલીસની ટીમે આ બંને આરોપીઓને સાપુતારા પોલીસને હવાલે કરી અન્ય જિલ્લાની પોલીસને પણ જાણ કરવામાં આવી છે.આ સફળતાથી સરહદી વિસ્તારોમાં સક્રિય તસ્કર ટોળકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે..






