
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ-કપડવંજ હાઈવે પર ડેમાઈ ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ – 5.65 લાખના દારૂ સાથે 2 ઝડપાયા, દારૂના સપ્લાય માટે અલગ અલગ નંબર પ્લેટનો ઉપયોગ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા રેડ કરી સફેદ રંગની ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના 2,549 ટીન-બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, કાર, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.15,75,931નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ખાનગી બાતમીના આધારે SMCની ટીમે બાયડ-કપડવંજ હાઈવે પર લાંકચોકડી નજીક વોચ ગોઠવી હતી. બપોરે બાયડ તરફથી આવેલી ક્રેટા કારને રોકી તપાસ કરતાં કારની પાછળની સીટ અને ડિક્કીમાં કાળા કપડાથી ઢાંકેલા બોક્સોમાંથી વિવિધ બ્રાન્ડનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાં સવાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જિતેન્દ્રસિંહ રતનસિંહ સિસોદિયા અને નાગૌર જિલ્લાના નવીનસિંહ સવાઈસિંહ ગઢવીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ ઉદયપુરના પુષ્પેન્દ્રસિંહ સોઢા ઉર્ફે પીન્ટુના કહેવા મુજબ દારૂનો જથ્થો લઈ નડિયાદ પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.તપાસ દરમિયાન ક્રેટા કાર પર લગાવેલી જી.જે.-18-ઈ.સી.-6729 નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે કારનો મૂળ નંબર જી.જે.-17-બી.એન.-3432 હોવાનું સામે આવ્યું હતું. પોલીસને કારમાંથી મૂળ નંબરની બે નંબર પ્લેટ પણ મળી આવી હતી.આ મામલે બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પુષ્પેન્દ્રસિંહ સોઢા ઉર્ફે પીન્ટુ, ચંદનસિંહ રાજપૂત સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.





