GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતે મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી કરાઈ

તા.૨૯/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ખેલાડી માટે રમતના મેદાન પર ઉતરવું એ જ સફળતાની શરૂઆત છે : ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ

Rajkot: ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે તા. ૨૯ ઓગસ્ટને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. જે નિમિત્તે આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહે આજના દિવસે મેજર ધ્યાનચંદની પ્રેરણાદાયી ખેલ પ્રતિભાને યાદ કરતાં જણાવ્યું હતું કે, ખેલાડીઓને માત્ર પદક કે હાર-જીત નહીં, પરંતુ રમતના મેદાન પર ઉતરવું જરૂરી છે.શ્રી દર્શિતાબેને ઉમેર્યુ હતું કે, ભારત રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલો ઇન્ડિયા’ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આજના બાળકો અને યુવાનો સ્ક્રીન ટાઇમ ઘટાડી સ્પોર્ટ્સ ટાઇમ વધારવા માટેની વડાપ્રધાનશ્રીની અપીલને અનુસરી સૌ ખેલાડીઓ ભારતનું ગૌરવ વધારે તેમ આહ્વાન કર્યું હતું.

આ તકે પ્રાંત અધિકારીશ્રી આઈ.એ.એસ. અતુલ સિંઘે સ્પોર્ટ્સનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, રમતગમતના માધ્યમથી માનસિક અને શારીરિક ફિટનેસ સાથે ટીમ સ્પિરિટની ભાવના તથા શિસ્તના ગુણ પણ કેળવાતા હોય છે.

આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા તેમજ ભારતીય હોકી ટીમ વતી ઓલિમ્પિક રમી ચૂકેલા અને એમ.પી. એકેડમીના ચીફ કોચ શ્રી સમીરભાઈ દાદ સહિતના મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે ઉપસ્થિત ખેલાડીઓએ ‘ફિટ ઇન્ડિયા’ના શપથ લીધા હતા.

‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી નિમિત્તે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી. જાડેજા, ગુજરાત હોકીના વાઇસ પ્રેસિડેન્ટ અને કોચ શ્રી મહેશભાઈ દિવેચા સહિત કોચ સર્વશ્રી આરીફખાન, લોકિત શર્મા, પ્રકાશભાઈ, અનિલભાઈ તેમજ મોટી સંખ્યામાં હોકી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!