GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં પી.જી.વી.સી.એલ. અને જેટકોના રૂ. ૬૫.૧૪ કરોડના ખર્ચે નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા

તા.૨૯/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વીજ વાયરોના નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરવા સાથે આધુનિક શહેરી માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે

ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને રાખીને ૧૦ કલાક વીજળી પૂરી પાડવાનો નિર્ણય સરકારના ખેડૂતલક્ષી અભિગમની પ્રતીતિ કરાવે છે

નવાગામથી પોપટપરા રોડ પરના પોલ અને વીજ લાઈનની સમસ્યાનું નિવારણ લાવવા બદલ મંત્રીશ્રીનો આભાર માનતા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ

Rajkot: રાજકોટમાં આજે ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આશરે રૂ. ૬૫.૧૪ કરોડના ખર્ચે નિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં અંદાજે રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે મોટા મવા પેટા વિભાગીય કચેરી, રૂ. ૨.૧૭ કરોડની બેડીનાકા પેટા વિભાગીય કચેરી, રૂ. ૨.૧૭ કરોડની માધાપર પેટા વિભાગીય કચેરી તેમજ રૂ. ૨૧.૩૦ કરોડના ૬૬ કે.વી. સ્માર્ટ સીટી – સી સબ સ્ટેશન, રૂ. ૨૩.૮૨ કરોડના ૬૬ કે.વી. સ્માર્ટ સીટી – બી સબ સ્ટેશન તેમજ રૂ. ૧૩.૫૧ કરોડના ૬૬ કે.વી. રાણપુર સબ સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત ઉર્જા ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે. આજે વીજ વિતરણ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને કારણે ‘જ્યોતિગ્રામ યોજના’ થકી સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક નિરંતર વીજળી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય શક્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઉર્જા માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને વાયરલેસ સીટીના પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વીજ વાયરના નેટવર્કને ભૂગર્ભમાં ખસેડીને આધુનિક શહેરી માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વરસાદ ખેંચાવાના સમયે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને રાખીને ૧૦ કલાક વીજળી પૂરી પાડવાનો નિર્ણય સરકારના ખેડૂતલક્ષી અભિગમની પ્રતીતિ કરાવે છે. આ તકે મંત્રીશ્રીએ કુદરતી આપદાઓ અને વાવાઝોડા જેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવના જોખમે કામગીરી કરી, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરનારા વીજ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

આ તકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ વખત એગ્રીકલ્ચર ફીડર અને ડોમેસ્ટિક ફીડરને અલગ કરવાનું ઐતિહાસિક કામ ગુજરાત વીજ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત ઊર્જા ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બન્યું છે, જેનો યશ ગુજરાત વિદ્યુત બોર્ડને જાય છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વીજ બોર્ડનું વિભાજન કરીને જેટકો, પી.જી.વી.સી.એલ., ડી.જી.વી.સી.એલ. જેવી કંપનીઓની રચના કરવાનો પ્રગતિશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોવીસ કલાક ઘર-ઘર સુધી વીજળી પહોંચાડવા માટે અથાક પ્રયાસો કરતા અને જોખમ ઉઠાવીને સતત કાર્યરત રહેતા વીજ નિગમના કર્મયોગીઓની કામગીરી સરાહનીય છે.

આ વેળાએ મેયર શ્રી ડો. નેહલભાઈ શુક્લે જણાવ્યું હતું કે, આજે સામાન્ય નાગરિક પી.જી.વી.સી.એલ.ના સર્વિસ નંબર પર સંપર્ક કરે તો રાત્રિના સમયે પણ ઝડપી અને સંતોષકારક પ્રતિસાદ મેળવે છે. જે બદલ સમગ્ર પી.જી.વી.સી.એલ. પરિવારને અભિનંદન છે. આ તકે તેમણે આગામી સમયમાં ગ્રાહક સેવા વધુ સુદ્રઢ અને ફરિયાદ નિવારણના સમયમાં વધુ ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ તકે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે કાર્યક્રમની પૂર્વભૂમિકા વિશે જણાવ્યું હતું કે, ઊર્જા વિભાગ દ્વારા રાજકોટ વિસ્તારને આજે મોટી ભેટ મળી છે. દૂધની ડેરીથી નવાગામ સુધીની બંધ પડેલી ૬૬ કે.વી.ની લાઈનના પોલ અને સ્પાન વર્ષોથી લોકો માટે સમસ્યારૂપ હતા. આ ઉપરાંત, નવાગામથી પોપટપરા સુધીના વિસ્તારમાં રોડ વચ્ચે ઊભેલા પોલ અને વીજ લાઈન અંગે સ્થાનિક નાગરિકો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવતા, તેમણે બેઠકમાં અધિકારીઓને ત્વરિત સૂચના આપી, ત્યારબાદ ફોલોઅપ પણ લીધું હતું. તેમના સકારાત્મક અભિગમને કારણે આ વીજ લાઈન દૂર કરવાનું ૯૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું ૧૦ ટકા કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ કામગીરીથી સ્થાનિક વિસ્તારના લોકોને ભારે રાહત મળશે. આ ઝડપી કામગીરી બદલ તેમણે ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ જેટકો અને પી.જી.વી.સી.એલ. વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સ્થાનિકોએ મંત્રીશ્રીનું પાઘડી અને ખેસથી સન્માન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીએ માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન અને સ્માર્ટ સીટી બી અને સી સબ સ્ટેશનની મુલાકાત લઈને ઉદ્દઘાટન તેમજ રાણપુર સબ સ્ટેશનની ઈ-તક્તીનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું.

આ તકે પી.જી.વી.સી.એલ. મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. ડી. ચુડાસમાએ શાબ્દિક સ્વાગત અને જેટકો સી.ઈ. શ્રી કે. એચ. રાઠોડે આભારવિધિ કરી હતી. ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, અગ્રણીઓશ્રી વલ્લભભાઈ દુધાત્રા, શ્રી યોગેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!