વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*સાપુતારા પોલીસની ટીમ અને લોકસભાનાં દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની વ્હારે આવી ગંતવ્ય સુધી પોહચાડ્યા..*
ગુજરાતની સરહદે આવેલા ગિરિમથક સાપુતારાથી નાસિક/શિરડી તરફ જતા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા બોરગાવ ખાતે, અપાયેલા ચક્કાજામમાં ગત રાત્રીએ ફસાયેલા ગુજરાતનાં યાત્રીઓને લોકસભાના દંડક એવા વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનાં પ્રયાસોથી અડધી રાત્રે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, સહી સલામત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા.સાંસદ ધવલભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર ગત રાત્રીએ નાસિક તરફથી ગુજરાત આવી રહેલા ચીખલી, નવસારી તરફનાં અંદાજીત બસો જેટલા યાત્રીઓ, ચક્કાજામને કારણે અડધી રાત્રીએ અટવાયા હતા.નાના ભૂલકાઓ, વૃદ્ધ અને અશક્ત મુસાફરો, સ્ત્રીઓ વિગેરે અટવાયેલા મુસાફરોએ, સાંસદ સુધી તેમની આપવિતી વર્ણવતા, ધવલભાઈ પટેલે તુરત જ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનો સંપર્ક સાધ્યો હતો.જેથી ડાંગ એસ.પી યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.એન.ઝેડ.ભોયાએ ખાસ વાહન વ્યવસ્થા કરીને, ચક્કાજામ કરી રહેલા આગેવાનોને મળી તેમની સમજણ અને સહયોગ સાથે, આ મુસાફરોને મદદ પુરી પાડી હતી.સાથે આ મુસાફરો પ્રત્યે માનવિય સંવેદના સાથે તેમના માટે ચા,નાસ્તા અને ભોજન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી, આપાતકાલીન સ્થિતિમાં પણ માનવિય સંવેદના જગાવી હતી.વલસાડ ડાંગનાં સાંસદની સૂચના અનુસરીને સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.એન.ઝેડ.ભોયાની ટીમે બખૂબી રીતે ફસાયેલા મુસાફરોને હેમખેમ રીતે બહાર કાઢી લાવતા તેઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સ્થાનિક પ્રશ્ન બાબતે છેલ્લા કેટલાક સમયથી રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યુ છે.જેને કારણે ગુજરાત થી મહારાષ્ટ્રના નાસિક/શિરડી તરફ જતા/આવતા મુસાફરો, વાહન ચાલકો અસરગ્રસ્ત થઈ રહ્યા છે..