Dang: સાપુતારા ઘાટમાર્ગમાં કડી-નાસિક બસ બ્રેક ફેઈલ થઈ ખાડામાં ખાબકી ભેખડ સાથે ભટકાતા મોટી દુર્ઘટના ટળી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિકથી મુસાફરો ભરી સાપુતારા વાયા થઈ કડી મહેસાણા ખાતે જઈ રહેલ ગુજરાત એસટી નિગમની એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.9065 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેઈલ થતા બસ ખાડામાં ઉતરી જઈ ભેખડ સાથે ભટકાઈને પલ્ટી ખાતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.અહી એસટી બસનાં ચાલકે સમયસૂચકતા વાપરી બસને ખાડામાં ઉતારી ભેખડ સાથે અથડાવી બસને પલ્ટી ખાતા બચાવતા મોટી જાનહાનિ ટળી હતી.
આ બનાવ રાત્રીનાં અરસામાં ધીમી ધારનાં વરસાદી માહોલમાં બન્યો હોય જેથી બસમાં સવાર મુસાફરોમાં અફરા તફરીની સાથે ભયનો માહોલ સર્જાયો હતો.રાત્રીનાં અંધારામાં એસટી બસ એકાએક ખાડામાં ખાબકી ભેખડ સાથે ભટકાતા મુસાફરોનાં ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયુ હતુ.આ અકસ્માતનાં બનાવની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. પી.ડી.ગોંડલિયા તથા નોટિફાઈડ એરિયા કચેરીનાં નાયબ મામલતદાર પી.વી પરમારને સહીત સાપુતારા ડેપો વિભાગને થતા પોલીસ, નોટિફાઈડ તેમજ એસટી ડેપોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અહી અકસ્માતમાં તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. પી.ડી.ગોંડલિયા સહીત એસટી વિભાગની ટીમે મુસાફરો માટે અન્ય બસની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી હોવાનું જાણવા મળેલ છે.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..