વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.બે દિવસ પૂર્વે સાપુતારા પંથક અને આહવા પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર પ્રવાહ સાથે વહેતી જોવા મળી હતી.જેમાં ગુરુવારે સાંજનાં અરસામાં ડાંગ જિલ્લાનાં ગલકુંડ, સાપુતારા, શામગહાન સહિત સરહદીય પંથકોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.જેમાં ગલકુંડ અને સરહદીય ઉપરવાસમાં ધોધમાર વરસાદનાં પગલે ગલકુંડ નજીકથી પસાર થતી ખાપરી નદી સહિત, વહેળા, નાળા, અને ઝરણાઓ ગાંડાતુર બન્યા હતા.ગિરિમથક સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું આહલાદક બની જવા પામ્યુ હતુ. સાપુતારામાં ગાઢ ધુમ્મસિયા વાતાવરણનાં પગલે સાપુતારા ઘાટમાર્ગ સહિત સાપુતારામાં ફરવા આવેલ પ્રવાસી વાહનચાલકોએ વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા,વઘઇ અને સુબિર પંથક વરસાદ વિના કોરાકટ રહ્યા હતા.જ્યારે સાપુતારા પંથકમાં 15 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો..