વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના બે સરહદીય માર્ગોનો સમાવેશ હવે રાજ્ય સરકાર હસ્તકનાં માર્ગ અને મકાન વિભાગમાં કરાયો છે.ડાંગ જિલ્લાના પંચાયત (મા.મ) ના ૧૦ કિ.મી. કે તેથી વધુ લંબાઈ ધરાવતા ઓ.ડી.આર કક્ષાના બે રસ્તાઓ, રાજ્ય (મા.મ) વિભાગ હસ્તક તબદિલ કરવાની દરખાસ્ત સક્ષમ સત્તાએથી ગ્રાહ્ય રાખવામાં આવી છે.જે મુજબ મહાલ-સુબિર-વારસા (મહારાષ્ટ્ર) રોડ (૩૭.૪૦ કિલોમીટર) કે જે એક આંતરરાજ્ય માર્ગ છે, તેની સાથે વઘઈ-ડુંગરડા-ભેંસકાતરી રોડ (૨૦.૯૩૦ કિલોમીટર) કે જે ડાંગ જિલ્લાનો તાપી જિલ્લાને અડીને આવેલો સરહદી માર્ગ છે, તે હવે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવ્યા છે.આ માર્ગો હવે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) માં આવવાથી આંતર જિલ્લા મુસાફરી વધુ સરળ થશે થવા સાથે, પ્રવાસન તેમજ કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશેડાંગના મહાલ કેમ્પ સાઇટ, માયાદેવી અને કોશમાળ જેવા પ્રવાસન સ્થળોને પણ આ માર્ગ જોડતો હોવાથી અહીંના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળી રહેશે, તેમ ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતુ.ડાંગ જેવા સરહદી વિસ્તારના માર્ગો પ્રત્યે રાજ્ય સરકાર હમેશા સંવેદનશીલ રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.અત્રે નોંધનીય છે કે રાજય સરકાર દ્વારા મહાલ-સુબિર વારસા અને વઘઇથી ભેંસકાતરીને જોડતા જિલ્લા પંચાયત હસ્તકનાં બે માર્ગોને સ્ટેટ ધોરીમાર્ગમાં સમાવેશ કરી નવી દિશા આપવાનાં પ્રયત્નો કર્યા છે.જે સરાહનીય બાબત છે.અને સ્ટેટ માર્ગ મકાન વિભાગ અગામી દિવસોમાં આ બન્ને માર્ગોની રોનક બદલશે જેમાં બેમત નથી.પરંતુ થોડા વર્ષ પહેલા શામગહાનથી સાપુતારાને જોડતો અંદાજીત 9 કિલોમીટરનો રાજય ધોરી માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં તબદીલ કરી વાહનચાલકોની ઘોર ઉપેક્ષા કરી છે.અગાઉ શામગહાનથી સાપુતારાને જોડતો માર્ગ રાજય ધોરીમાર્ગ વિભાગ પાસે હતો જેથી સમયાંતરે આ માર્ગની મરામત થતી હતી.પરંતુ જ્યારથી આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવેશ કરાયો છે ત્યારથી સાપુતારા ઘાટમાર્ગની હાલત ધનીદોરી વગરની થઈ જવા પામી છે.સાપુતારા ઘાટમાર્ગમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની બેદરકારીનાં પગલે અસંખ્ય અકસ્માત સર્જાઈ રહ્યા છે.અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.જેથી સાપુતારાથી શામગહાનને જોડતો 9 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી સ્ટેટ વિભાગમાં તબદીલ કરી પ્રવાસીહિતમાં નિર્ણય લેવામાં આવે તે જરૂરી બન્યુ છે..