
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વઘઈ, તા.૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.), વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના ભેસકાતરી ગામે પર્યાવરણ જાગૃતિ અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતોને પર્યાવરણ સંરક્ષણ સાથે ટકાઉ અને રાસાયણમુક્ત ખેતી તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા તથા કે.વી.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. હર્ષદ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) શ્રી ગૌરાંગ બી. પડસાળાએ વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જંગલોના સતત નિકંદન જેવા ગંભીર પડકારો અંગે ખેડૂતોને અવગત કરાવ્યા હતા. સાથે જ પર્યાવરણનું સંતુલન જાળવવા વધુમાં વધુ વૃક્ષારોપણ, નદીઓ-દરિયાકિનારાઓ તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય નિકાલ અંગે જાગૃતિ ફેલાવી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને તેના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાસાયણિક ખાતરોના વિકલ્પરૂપે પ્રાકૃતિક અને જૈવિક પદ્ધતિઓ અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા તથા જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આશરે 25 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રાકૃતિક કૃષિ તથા પર્યાવરણ સંરક્ષણ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ ડાંગ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૈકલ્પિક ખાતર જાગૃતિ અભિયાન (Fertilizer Awareness Campaign) તેમજ ખેત બચાવ અભિયાન અંતર્ગત વિવિધ ગામોમાં ખેડૂતોને વૈકલ્પિક ખાતરોના ઉપયોગ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.



