AHAVADANG

ડાંગ LCB પોલીસની ટીમે આંતરરાજ્ય ચામઠા ગેંગ ના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસની ટીમે એક મોટી સફળતા મેળવીને આંતરરાજ્ય ‘ચામઠા ગેંગ’ના મુખ્ય સૂત્રધાર અને છેલ્લા કેટલાક વર્ષોથી નાસતા ફરતા કુખ્યાત વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.  અનડિટેક્ટ ગુન્હાઓને ઉકેલવા અને “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત” અભિયાન અંતર્ગત નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ડાંગ-આહવા જીલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટ અને તેમની ટીમ તપાસમાં કાર્યરત હતી. આ દરમિયાન એલ.સી.બી. ટીમને ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી કે સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ત્રણ ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી ગુજરાતમાં આવ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી.ની અલગ-અલગ ૪ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી સઘન તપાસ હાથ ધરીને આખરે આરોપીને વાપી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ અને વેરીફિકેશન કરતા તેનું નામ સંદીપ ઉર્ફે અર્થવેદ સ/ઓ. નટવર ઉર્ફે અગસ્તય રાઠોડ (નાણાવટ) (રહે. રંજનગાવ, બાલાજી પ્લોટ, ફંડ બસ્તી, તા. સિરૂર, જી. પુણે, મહારાષ્ટ્ર) હોવાનું સામે આવ્યું છે. પોલીસ ટીમે આરોપી પાસેથી આશરે ₹૨૦,૫૦૦/- ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન અને ₹૬,૩૦૦/- ની રોકડ રકમ મળીને કુલ ₹૨૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસની આકરી પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુન્હાહિત ઇતિહાસ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તે આંતરરાજ્ય ‘ચામઠા ગેંગ’નો મુખ્ય સૂત્રધાર છે અને પકડાવાથી બચવા માટે પોતાના તેમજ પિતાના અલગ-અલગ નામોથી ઓળખ આપતો હતો. આ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં કુલ ૨૭ જેટલા ગુન્હાઓમાં તેની સંડોવણી જણાઈ આવી છે. પકડાયેલા મુખ્ય સૂત્રધાર સંદીપે છેલ્લા ૭ વર્ષ દરમિયાન ગુજરાતના સાપુતારામાં ૦૩ ઘરફોડ ચોરી, ગોધરામાં પ્રોહિબીશનનો ૦૧ ગુન્હો, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૦૩ ઘરફોડ ચોરી, કર્ણાટકમાં આશરે ૧૩ ઘરફોડ ચોરી અને આંધ્રપ્રદેશમાં આશરે ૦૬ ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. આમ, તે ત્રણેય રાજ્યોમાં થઈને કુલ ૨૨ જેટલા ગુન્હાઓમાં છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ હતો અને આજદિન સુધી ક્યારેય પકડાયો નહોતો.  ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય એક આરોપી સોરદેવ સિલોન નાણાવટ (રહે. પુણે, મહારાષ્ટ્ર) અંગે પણ તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે તે હાલ કર્ણાટકના નંદગડા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં બેલગાંવ જેલ ખાતે બંધ છે, જેથી સાપુતારા પોલીસની એક ટીમ તેનો કબ્જો મેળવવા માટે રવાના થઈ ચૂકી છે. હાલ પકડાયેલા મુખ્ય આરોપી સંદીપને વધુ તપાસ અર્થે સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ કર્ણાટક અને આંધ્રપ્રદેશ પોલીસને પણ આ અંગે જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં અન્ય વધુ ગુન્હાઓના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે..

Back to top button
error: Content is protected !!