
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં માલેગામ ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ નિર્માણાધીન પ્રાથમિક શાળાના નવા મકાનમાં મોટા પાયે ગેરરીતિ અને હલકી ગુણવત્તાના બાંધકામનો મામલો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ ઇજારદાર દ્વારા સરકારી ધોરણોને નેવે મૂકી માત્ર નફાખોરીના આશયથી અત્યંત નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે,જે ભવિષ્યમાં શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.પ્રાપ્ત વિગતો અનુસાર, માલેગામ પ્રાથમિક શાળાના સ્લેબ અને પીલર સહિતના બાંધકામમાં ગુણવત્તાના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. ગ્રામજનોએ સ્થળ પર તપાસ કરતા જણાવ્યુ હતું કે સિમેન્ટ કોંક્રીટના કામમાં નિયમ મુજબની ગુણવત્તાયુક્ત રેતીના બદલે મોટા પ્રમાણમાં ગ્રીટ (પથ્થરની કપચીનો ભૂકો) નો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે બાંધકામમાં વપરાતો સિમેન્ટ પણ નિમ્ન કક્ષાનો હોવાનું જણાઈ આવ્યું છે.બાંધકામની મજબૂતી માટે જરૂરી પાણીનો નિયમિત છંટકાવ (ક્યુરિંગ) કરવો ફરજિયાત હોવા છતાં ઇજારદાર દ્વારા આ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.સ્થળ પર પીલરોને માત્ર શણના ખાલી કોથળા બાંધી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હોવાનું જોવા મળ્યુ છે.અહી સ્થળ પર કોથળા કોરા જોવા મળતા ગ્રામજનોએ આને માત્ર દેખાડો ગણાવ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના અભાવે સિમેન્ટ યોગ્ય રીતે પકડ ન લેતા બાંધકામમાં અત્યારથી જ નબળાઈ દેખાવા લાગી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ સમગ્ર બાંધકામની ટેકનિકલ તપાસ કરાવે તેમજ જવાબદાર ઇજારદાર સામે કડક કાર્યવાહી કરીને શાળાનું મજબૂત અને સુરક્ષિત ભવન તૈયાર કરાવવામાં આવે.માલેગામના લોકોનું કહેવું છે કે બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ચેડા સહન કરવામાં નહીં આવે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.





