
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
7 વર્ષેએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ :ભેટાલી વિસ્તારમાં ડુંગર પરથી યુવક-યુવતીની લાશ મળી આવી હતી
ફરિયાદીએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કર્યા પછી અરવલ્લી એસપીના આદેશ બાદ મૃતક યુવતીની માતાએ ગુન્હો નોંધાવ્યો
ભિલોડા વિસ્તારમાં ભેટાલી ડુંગળ વિસ્તારમાં યુવક યુવતીની લાશ મળી આવી હતી.મૃતકોની ઓળખ અને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.ભિલોડા પોલીસે 7 વર્ષ અગાઉ ચકચારી પ્રેમિપંખીડા મોત પ્રકરણે ભિલોડા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી હાથ ખંખેરી દીધા હતા.
ભેટાલી ગામની સીમમાં આવેલા ધુળીયા ડુંગર પર ઝાડની ડારીએ દુપટ્ટા વડે લટકતી અને કોહવાઈ ગયેલી હાલતમાં યુવક યુવતિના મૃતદેહ મળી આવ્યા હતા જેને લઇ ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીના અપહરણ બાદ તા.૧૪.૦૬.૨૦૧૮ના રોજ ફાંસો ખાધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી અને આ પ્રકરશે માનવ અધિકાર આયોગમાં મૃતક યુવતીની માતાની ફરીયાદને પગલે જિલ્લા પોલીસવડાના આદેશ બાદ ભિલોડા પોલીસે 7 વર્ષ બાદ મૃતક યુવતીની માતાની ફરીયાદ નોંધાતા પોલીસ કામગીરી સામે જ સવાલો ઉઠયા છે અને ફરીયાદીએ પોતાની દિકરીનું હાથીયા ગામના 4 જણાએ ભેગા મળી મોત નીપજાવ્યું હોવાનો શક આધારે નામ સાથે ઉલ્લેખ કર્યો હોવા છતાં હાલ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
ભિલોડા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ જયારે પરિવાર સાથે ૬/૫/૨૦૧૮ના રોજ જાહેર થયેલા ઉનાળુ વેકેશનમાં ઘરે આવ્યા હતા. ત્યારે તા. ૨૮/૦૫/૧૮ના રોજ હાથીયા ગામો વિજય ડામોર તેમની દિકરીને બાઈક ઉપર બેસાડી ભગાડી ગયો હતો. બીજા દિવસે પણ દિકરી ઘરે પરત ન આવતાં તેઓએ હાથીયા ગામે યુવકના ઘરે તપાસ કરી હતી. બે દિવસ પછી પણ યુવતીનો પત્તો નહી લાગતાં ફરી વાર આ માતાએ હાથીયા ગામે યુવકના ઘરે પુન: જઈ પુછપરછ કરતા તેઓને એવું જણાવવામાં આવ્યું હતું કે તમારી દિકરી મળશે એટલે તુરંત પરત કરીશું, અમારે તેને વહુ તરીકે રાખવાની નથી કે તેના હાથના રોટલા ખાવાના પણ નથી. આમ, ૨૮/૦૫/૨૦૧૮ના દિવસે ગુમ થયેલી આ યુવતી અને તેને ભગાડી જનાર યુવક બંનેની લાશ ૧૪/૦૯/૨૦૧૮ના રોજ ડુંગરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી અને જાણકારોએ આ બંનેના મૃતદેહ મળ્યા તેનાથી ૧૫ દિવસ અગાઉ મોત નિપજયું હોવાનો મત જણાવ્યો હતો.




