વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અગામી દિવાળીનાં તહેવારને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. ડાંગ જિલ્લા પોલીસ વડા (SP) પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) જયદીપ સરવૈયાના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ મથકની ટીમે નગરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.વઘઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગઢવી સહિતના પોલીસકર્મીઓની ટીમે સમગ્ર વઘઈ ટાઉન વિસ્તારમાં સઘન રીતે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.તહેવારોના સમયમાં બજારોમાં થતી ભીડ અને લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો પર નજર રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પગલું લેવામાં આવ્યું હતુ.ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ બજારના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ કવાયતનો મુખ્ય હેતુ લોકોમાં પોલીસની હાજરીનો અહેસાસ કરાવવા, તેમની શાંતિ અને સલામતીની ભાવનાને મજબૂત કરવા તેમજ કોઈપણ કાયદાના ભંગની પ્રવૃત્તિને ત્વરિત રોકવાનો હતો. ડાંગ પોલીસનું આ ફૂટ પેટ્રોલિંગ તહેવારોની સિઝનમાં નગરજનો માટે સુરક્ષા કવચ પૂરું પાડશે..