
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત:-43 ડિગ્રી સુધી પહોંચ્યો પારો, લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.આજે જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા ડાંગ જિલ્લાનાં સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી હતી.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં મહત્તમ 43°C, આહવા તાલુકામાં 42°C, સુબીર તાલુકામાં 42°C અને સાપુતારા પંથકમાં 39°C તાપમાન નોંધાયુ હતુ.ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા.લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડક મેળવવા માટે શીતળ છાંયડો, ઠંડા પીણાં તેમજ પાણીનો સહારો લેતા જોવા મળ્યા હતા.જેમાં પાળતું પશુઓ પણ અસહ્ય ગરમીમાં ઝાડવાઓનો છાયડો શોધવા મજબૂર બન્યા છે.અસહ્ય ગરમી અને ઉકળાટમાં ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને રોજિંદા મજૂરી કરતા કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ડાંગ જિલ્લામાં ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વધુમાં વધુ પાણી પીવાનું, બપોરે 12 થી 4 દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવાનું અને હળવા સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ હિટવેવની સંભાવના રહેલી છે.જેમાં તાપમાનમાં ખાસ ઘટાડાની શક્યતા ઓછી હોવાથી લોકોમાં ગરમીથી રાહત ક્યારે મળશે તે અંગે ચિંતા વધી રહી છે..




