AHAVADANG

DANG સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કાપણીના મજૂરોને યોગ્ય ચુકવણુ નહી કરાતા ડાંગ મજુર અધિકાર મંચ દ્વારા હડતાળની ચીમકી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ–તા.૪ દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.ત્યારે દક્ષિણ ગુજરાતમાં ૧૪ સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે અને તેથી ખેડૂતોને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનેલ છે. જો કે તેની સામે ડાંગ જિલ્લામાંથી જે મજૂરો આસપાસના જિલ્લાઓમાં શેરડી કાપણી માટે જાય છે તેમને યોગ્ય ચુકવણું કરવામાં આવતું નથી. ત્યારે ડાંગ જિલ્લાના શેરડી કાપણી કરનાર મજૂરોને લઘુત્તમ વેતન ૪૭૬/- રૂપિયા પ્રતિ ટન મુજબ ચુકવણુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને ડાંગ મજુર અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ.તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ નથી કે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.શેરડી કાપણીમાં પ્રતિ વર્ષ ૨ લાખ આદિવાસી મજૂરો ૬ માસ માટે  ડાંગ, સુરત, તાપી, ધુલિયા,નંદુરબાર અને બડવાની જિલ્લાના આદિવાસી પટ્ટીથી આવે છે.અને આ મજૂરોની આર્થિક સ્થિતિ કફોડી છે.શેરડી કાપણીના કામદારોના કામનો  સમય નક્કી હોતો નથી.આ કામદારોને પ્રતિ દિન ૧૨-૧૪ કલાક કામ કરવું પડે છે.આ કામદારોને પડાવોમાં કોઈ પણ પ્રકારની મૂળભૂત સુવિધા જેવી વીજળી, પાણી, શૌચાલય વિના પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના બાળકો પલાયન કરી આવતા હોય ત્યારે કાર્યસ્થળ ઉપર ભણતરની કોઈ સુવિધા ન હોય તેમજ તેઓના  વતનમાં પણ ગુણવત્તાસભર શિક્ષણની વ્યવસ્થાઓ ન મળવાને કારણે પેઢી દરપેઢી આ કામમાં જોતરાય છે અને વેઠિયા મજૂરી કરી રહ્યા છે. આ કામદારોના સતત સંઘર્ષ અને લડતના ફળ સ્વરૂપે ગુજરાત સરકારે ૧ એપ્રિલ ૨૦૧૩ થી લઘુત્તમ વેતન રિવાઇઝ કરી ૪૭૬/- રૂ. પ્રતિ ટન ઘોષણા કરેલ છે. છતાં પણ તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા લઘુત્તમ વેતન ૪૭૬/- રૂ પ્રતિ ટન માંથી મુકાદમના ૮૦/- રૂ પ્રતિ ટન તેમજ ૨૧/-રૂ. પ્રતિ ટન આવવા જવાના ભાડા અને મેડિકલ ખર્ચના એમ કુલ ૧૦૧/-રૂ પ્રતિ ટન ઓછું વેતન ચૂકવી કામદારોને સિઝન ૨૦૨૩-૨૦૨૪ માં માત્ર ૩૭૫/રૂ પ્રતિટન ના હિસાબથી વેતન ચૂકવેલ છે.દરવર્ષે તમામ સુગર ફેકરીઓ દ્વારા ૯૦ લાખથી ૧૧૦ લાખ ટન સુધીની શેરડી કાપણીની કામગીરી કરવામાં આવે છે. આ હિસાબથી પાછલી સિઝન ૨૦૨૩-૨૪માં તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા સહકારિતાના ઓથા હેઠળ તેમજ શ્રમ વિભાગ ના અધિકારીઓ સાથે મળીને કામદારોને કુલ ૧૦૧ કરોડ રૂપિયા ઓછું વેતન ચૂકવી કામદારોનું સુનિયોજિત શોષણ કરેલ છે.ત્યારે કામદારોને લઘુત્તમ વેતન ચૂકવાય તે સંદર્ભે મજૂર અધિકાર મંચ દ્વારા તમામ સુગર ફેક્ટરીઓ, લેબર ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત સ્ટેટ ફેડરેશન કો. ઓ. ઓફ સુગર ફેકટરીઓને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ સિઝન પૂર્ણ થવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને સુગર ફેક્ટરીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નથી.જે બાબતે મજુર અધિકાર મંચનાં ડાંગ સચિવ જયેશભાઇ ગામીત ની આગેવાની હેઠળ દાદરીયા સુગર, મઢી સુગર અને ચલથાણ સુગર ફેકટરી ખાતે સુગર મેનેજમેન્ટને ઠેકેદારો સાથે રુબરુ મુલાકાત કરી મજુરોએ  માંગ કરી  કે ૨૧ રુપયા અન્ય કપાતના નામે કપાત બંધ કરવામાં આવે તે ખુલાસો કરવા માટે ગયેલ હતા.ત્યારે સુગર મેનેજમેન્ટ  દ્વારા આવો જવાબ મળેલ કે , “બીજી સુગર લઘુતમ વેતન ચૂકવશે તો અમે પણ ચૂકવી દઈશું .” આમ, સુગર ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા એકબીજા પર ખો આપવામાં આવી રહ્યો છે.જો સુગર ફેક્ટરી દ્વારા મજૂરોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો કોઈ પણ ઠેકેદાર પેમેન્ટ નહીં લેશે અને સામુહિક હડતાળ કરી વિરોધ કરવામાં આવશે, અને ૨૦૨૫- ૨૦૨૬ માં એક પણ મજૂરની ભરતી કરવામાં નહીં આવે તથા દરેક સુગર ફેક્ટરી ઉપર મજૂર કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે  એવી ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!