વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી પહેલા ડાંગ જિલ્લામાં શેરડી કાપણી કામદારો અને વન અધિકાર હેઠળનાં પડતર પ્રશ્નો બાબતે મજુર અધિકાર મંચનાં બેનર હેઠળ વિવિધ આગેવાનોએ કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા પ્રદર્શન કર્યું હતુ.
તેમજ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપતુ આવેદન પત્ર પાઠવ્યું હતુ.સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બરનાં રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવામાં આવે છે.જોકે દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના આગેવાનો અને મજુર અધિકાર મંચનું માનવુ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓની માંગને સરકાર દ્વારા મંજુર કરવામાં આવતી નથી.એટલા માટે આજરોજ પોતાની પડતર માંગને લઈને ડાંગ, વલસાડ, સુરત ને તાપી જિલ્લાનાં શેરડી કામદારો અને વન અધિકાર હેઠળનાં પડતર પ્રશ્નો અંગે ડાંગ જિલ્લા કલેકટર કચેરી સામે એક દિવસીય પ્રતીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવેલ 14 સુગર ફેક્ટરીમાં શેરડી કાપણીનાં અર્થે મજુરી અર્થે આશરે બે લાખ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો સ્થળાંતર થાય છે.જેમની માંગ મુજબ ગત તા.27મી માર્ચ, 2023ના રોજ તમામ સુગર ફેકટરીને જાણ કરવામાં આવેલ કે તમામ મજૂરોને ટન દીઠ રૂા.476 ફરજીયાત ચૂકવવા તેમ છતાં આજદિન સુધી માત્ર 375 રૂપિયાનું જ વેતન ચૂકવામાં આવે છે.તેમજ વન અધિકાર કાયદો 2006 હેઠળના કામદારોના તથા આદિવાસી સમાજના વ્યક્તિગત હક દાવાઓના પડતર પ્રશ્નો તથા સામૂહિક હક દાવાઓના પડતર પ્રશ્નો અંગે પણ વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી આ માંગો સ્વીકારવામાં આવેલ નથી ત્યારે, આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે કલેકટર કચેરી પાસે એક દિવસના પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા, અને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.મજૂર અધિકાર મંચના જયેશ ગામીતે જણાવ્યું હતુ કે આ મુદ્દે આગામી સમયમાં સુગર ફેકટરીની આવનારી ચાલુ સિઝન દરમિયાન મજૂરો દ્વારા કામકાજ બંધ કરવા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે..