AHAVADANG

ડાંગ જિલ્લામાં જમીન વિવાદમાં હુમલો કરનાર આરોપીને JMFC કોર્ટ એ દોઢ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી..

 મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (J.M.F.C.) કોર્ટે જમીન વિવાદ અને હુમલાના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૧ વર્ષ અને ૬ મહિનાની (દોઢ વર્ષની) સખત કેદની સજા તેમજ રૂપિયા ૨૦૦૦/- નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની વિગત મુજબ, સને ૨૦૨૩માં આહવા તાલુકાનાં ગાઢવી ગામના વતની આરોપી એવા યશપાલ ભાવજીભાઈ ભોયે પોતાના ખેતરની નજીક આવેલી જંગલની જમીનમાં ઝાડી-ઝાંખરાની છાંટણી કરવા ગયા હતા.તે જ સમયે તે જ જમીનમાં ફરિયાદી સતારામભાઈ સીતારામભાઈ ભોયે પણ ઝાડીની છાંટણી કરી રહ્યા હતા.ફરિયાદીએ આરોપીને ત્યાં ઝાડવા કાપતા જોઈને ટોક્યા હતા અને જણાવ્યું હતું કે, “હું અહીં છેલ્લા બે-ત્રણ દિવસથી છાંટણી કરું છું, તારે આ જમીનમાં ઝાડવા કાપવા નહીં.”આ સામાન્ય બાબતે આરોપી યશપાલ ભોયે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપી, પોતાના હાથમાં રહેલી કુહાડી વડે ફરિયાદીની પીઠના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ મામલો થાળે પાડવા માટે ગામના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આરોપીએ સમાધાન કરવાનો સાફ ઈનકાર કરી દેતા આખરે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.આ અંગેનો કેસ આહવાની જે. એમ. એફ. સી. કોર્ટમાં ચાલી જતાં, ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને આધારે  તથા આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સુરેશભાઈ કોકણીએ ધારદાર દલીલો કરી હતી જે દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી યશપાલ ભાવજીભાઈ ભોયેને દોષિત જાહેર કર્યો હતો. અદાલતે સંબંધિત કલમો હેઠળ આરોપીને ૧ વર્ષ અને ૬ માસની કેદ તથા રૂ. ૨૦૦૦/- ના દંડની સજા ફટકારી છે..

Back to top button
error: Content is protected !!