
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મૂકાયેલ ‘VBG રામ G’ (વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ) યોજના અંગે વિગતવાર માહિતી આપી હતી અને વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચારોનો જડબાતોડ જવાબ આપ્યો હતો.સાંસદ ધવલ પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા અને રાજ્યસભામાં સાંસદો દ્વારા મનરેગા કાયદામાં મહત્વપૂર્ણ સુધારા કરીને VBG રામ G બિલ પસાર કરવામાં આવ્યું છે. આ યોજના ગ્રામીણ ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી લાવવામાં આવી છે.અગાઉ મનરેગા હેઠળ શ્રમિકોને ૧૦૦ દિવસની રોજગારી મળતી હતી, જે હવે વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવી છે. હવે શ્રમિકોના પગાર સીધા તેમના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) ના માધ્યમથી જમા થશે. અગાઉ ચૂકવણામાં મહિનાઓનો સમય લાગતો હતો, પરંતુ હવે કામ પૂર્ણ થયાના માત્ર ૭ દિવસમાં નાણાં મળી જશે.કામદારોની હાજરી હવે બાયોમેટ્રિક પદ્ધતિથી લેવામાં આવશે. સાથે જ કામનું જીઓટેગિંગ અને ફોટા ડિજિટલ માધ્યમથી અપલોડ કરી પારદર્શિતા વધારવામાં આવશે.ખેતીમાં રોપણી અને કાપણીની સીઝન દરમિયાન શ્રમિકોની અછત ન સર્જાય તે માટે ૬૦ દિવસનો ‘હોલ્ડ’ પિરિયડ રાખવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને મજૂરો સરળતાથી મળી રહે. ગામમાં કયા કામો કરવા તે હવે ગ્રામસભા નક્કી કરશે. અગાઉના ૨૬૦ કામોને બદલે હવે ૪ મુખ્ય ક્ષેત્રો (જળ સંચય, ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ, આજીવિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મહિલા તાલીમ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ ગાંધીજીના નામનો માત્ર રાજકીય રોટલા શેકવા માટે દુરુપયોગ કરી રહી છે. હકીકતમાં મહાત્મા ગાંધીજીના અંતિમ શબ્દો ‘હે રામ’ હતા, અને આ આસ્થાને ધ્યાનમાં રાખીને જ યોજનાનું નામકરણ કરવામાં આવ્યું છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ જે રીતે આ યોજનાનો વિરોધ કરી રહી છે, તે દર્શાવે છે કે તેઓને પ્રભુ શ્રી રામના નામ પ્રત્યે કેટલી નફરત છે. આદિવાસી અને OBC સમાજ પ્રભુ શ્રી રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેઓ કોંગ્રેસના આવા દુષ્પ્રચારમાં આવવાના નથી.આ પ્રેસ કોન્ફરન્સમાં ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીત,ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા સંગઠનના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી યોજનાથી ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના શ્રમિકોના જીવનસ્તરમાં મોટો સુધારો આવશે..





