
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારામાં વરસાદ વચ્ચે રોડ પર થીગંડા મારવાની કામગીરી શરૂ, વાહનચાલકોમાં આશ્ચર્ય અને રોષ
સાપુતારા, તા. 03 જૂન: ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસનધામ સાપુતારામાં ચોમાસાના પ્રારંભ સાથે જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની કામગીરી ચર્ચાનો વિષય બની છે. એક તરફ વહેલી સવારથી મીની વાવાઝોડા જેવી સ્થિતિ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદની વચ્ચે જ રોડ મરામત અને પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
આહવાથી સાપુતારા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. માર્ગ પર ઠેર-ઠેર ઊંડા ખાડાઓ પડતા પ્રવાસીઓ, સ્થાનિક વાહનચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. અનેક વખત અકસ્માતના બનાવો બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં ચોમાસા પહેલા પૂર્ણ થવી જોઈએ તેવી પ્રી-મોન્સૂન મરામત કામગીરી સમયસર હાથ ધરવામાં આવી ન હતી.
હવે જ્યારે ડાંગ જિલ્લામાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઉતાવળે રોડ પર થીગંડા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણી વચ્ચે કરવામાં આવતી આ કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે જે કામ એપ્રિલ-મે મહિનામાં પૂર્ણ થવું જોઈએ હતું તે હવે વરસાદ શરૂ થયા પછી કરવામાં આવી રહ્યું છે. વરસાદી વાતાવરણમાં કરવામાં આવતા પેચવર્ક કેટલા દિવસ ટકી શકશે તે અંગે પણ લોકોમાં ભારે શંકા જોવા મળી રહી છે. વાહનચાલકોમાં ચર્ચા છે કે ચોમાસાના પ્રથમ જ તબક્કામાં આ થીગંડા ધોવાઈ જશે તો સરકારી નાણાંનો બિનજરૂરી વેડફાટ સાબિત થશે.
સાપુતારા જેવા રાજ્યના મહત્વના પ્રવાસનધામને જોડતા માર્ગની આવી સ્થિતિ સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોનું માનવું છે કે જો તંત્ર દ્વારા સમયસર આયોજન કરવામાં આવ્યું હોત તો આજે વરસાદની વચ્ચે રોડ પર કામ કરવાની ફરજ પડી ન હોત.



