Rajkot: હાઈવે પર ડીવાઈડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો આદેશ

તા.૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના
ડિવાઇડર તોડનારા સ્વખર્ચે રિપેર કરાવે નહીં તો પોલીસ ફરિયાદ થશે, ૧૫ દિવસમાં તમામ ગેપ ઈન મીડિયન બંધ કરવા આદેશ
Rajkot: રાજકોટ જિલ્લામાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર ડીવાઈડર તોડીને વાહનોની અવરજવર માટે ગેરકાયદે ગેપ ઇન મીડિયન કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક ગત સાંજે યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીની અગાઉની સૂચના મુજબ આર.ટી.ઓ. દ્વારા ગેપ ઈન મીડિયન અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, જિલ્લામાં વિવિધ હાઇવે પર ૩૦થી વધુ હાઇવે પર ડિવાઇડર તોડીને ગેરકાયદે ગેપ ઈન મીડિયન ઊભા કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈ-વે (SH-25) પર પાંચ, આટકોટથી જસદણ હાઇ-વે પર ત્રણ, રાજકોટથી કાલાવડ હાઇ-વે(SH-23) પર બે, જેતપુર-સોમનાથ હાઇ-વે(NH-27) અને જેતપુર-પોરબંદર હાઇ-વે પર નવ, રાજકોટથી જામનગર હાઇ-વે(SH-25) પર ૧૩ જગ્યાએ ડિવાઇડર તોડી નંખાયા છે.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ આદેશ કર્યો હતો કે, જે કોઈ વ્યક્તિ, પેટ્રોલ પંપ સંચાલક, હોટલમાલિક, ખાણી-પીણી કે ઢાબાવાળા, વગેરેએ મીડિયન તોડ્યા છે, તેઓ પોતાના ખર્ચે તાત્કાલિક બંધ કરે, અન્યથા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીને ભરૂડી અને પીઠડીયા ટોલપ્લાઝા ખાતેથી ઈ-ડીટેકશનના ડેટા સમયસર અપલોડ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સાથે હાઇવે પરના તમામ ગેપ ઇન મીડિયન ૧૫ દિવસમાં બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.
અનધિકૃત રીતે મીડિયન ગેપ બનાવવા, ખોલવા અથવા નુકસાન પહોંચાડવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવા માટે સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરને અધિકૃત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
પ્રત્યેક જિંદગી મહત્વની છે અને હાઈવે પર ગેરકાયદે ગેપ ઇન મીડિયન ઊભા કરીને લોકોના જીવનને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિને સાંખી શકાય નહીં એવો સ્પષ્ટ સંદેશ આપતા ક્લેક્ટરશ્રીએ ગેરકાયદે ગેપ ઇન મીડિયન મામલે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
ઉપરાંત જિલ્લામાં હાઈવે પર આવતા ભયજનક વળાંક સહિતના અકસ્માત સંભવિત ક્ષેત્રોની તપાસ કરીને યોગ્ય સાઈનેજ, રિફ્લેક્ટર લગાવવા સહિતની સૂચના આપી હતી.
જિલ્લામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓને મદદ કરવા બદલ ‘રાહવીર યોજના’ અંતર્ગત બે યુવકનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. શ્રી ટીના કલ્યાણ, આર.ટી.ઓ. શ્રી આઈ.એસ. ટાંક, પોલીસ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


