
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા તંત્રને આવેદનપત્ર સુપરત, ધર્માંતરણની પ્રવૃત્તિઓ રોકવા કાયદેસરની કાર્યવાહીની વિનંતી..
ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના પાયાના અસ્તિત્વ અને રૂઢી-પરંપરાના સંરક્ષણ મુદ્દે ‘દેવ બિરસા સેના, ડાંગ જિલ્લા’ દ્વારા તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે. દેવ બિરસા સેનાના પ્રતિનિધિઓએ આહવા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરીને આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના નામે ચાલી રહેલા અનધિકૃત નાતાલ કાર્યક્રમો અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે.આવેદનપત્રમાં દેવ બિરસા સેનાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આદિવાસી સમાજ આદિ-અનાદિ કાળથી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપિત રૂઢી-પરંપરા, સંસ્કૃતિ, અને રીત-રિવાજોનું પાલન કરતો આવ્યો છે. આ સમાજ પુંજ મૂકી, છાક પાડી દેવોને પૂજે છે. આ પરંપરાઓને ભારત દેશના સંવિધાનના અનુચ્છેદ ૧૩-૩ (ક) મુજબ સંરક્ષણ આપવામાં આવેલું છે.દેવ બિરસા સેનાના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારોના વિવિધ ગામોમાં ખ્રિસ્તી ધર્મના લોકો (પાસ્ટરો) દ્વારા ધર્માંતરણ કરવા માટે મોટા પાયે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં નાતાલના કાર્યક્રમો, મોટી સભાઓ, પ્રાર્થનાઓ, શાંતિ મહોત્સવ, સાકર પ્રાર્થના, બહેનોના તથા યુવાનોના સેમિનારોનું આયોજન કરવામાં આવે છે.આ સંગઠને આક્ષેપ કર્યો છે કે, ખ્રિસ્તી પાદરીઓ દ્વારા આદીવાસીઓના મૂળ સંસ્કૃતિ અને પરંપરાથી તેમને અલગ કરીને, તેમને નષ્ટ કરવાનું અને સમાપ્ત કરવાનું એક મોટું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. ભલા-ભોળા આદિવાસીઓને લોભ, લાલચ, સામ, દામ, દંડ, ભેદની નીતિનો ઉપયોગ કરીને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અત્યંત ગંભીર બાબત છે.દેવ બિરસા સેનાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખતા નથી અને દરેક ધર્મનું માન-સન્માન કરે છે. જોકે, આદિવાસી સમાજની શાંતિ, સુલેહ અને અસ્તિત્વ જાળવી રાખવા માટે તેમણે જિલ્લા તંત્ર સમક્ષ નાતાલના કાર્યક્રમની મંજૂરી લેવા આવનાર વ્યક્તિઓ કે આયોજકો પાસે સૌ પ્રથમ સરકારી ચોપડે કાયદેસર રીતે ખ્રિસ્તી નોંધાયેલા હોય તેવા પ્રમાણપત્રો માંગવા, જે વ્યક્તિઓ કલેક્ટર સાહેબના ચોપડામાં કાયદેસર રીતે નોંધાયેલા હોય અને સાચા ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા હોય, તેમને જ નાતાલની મંજૂરી આપવામાં આવે,જે વ્યક્તિઓ કે સંસ્થાઓ સરકારી ચોપડે નોંધાયેલ ન હોય, તેવા કોઈપણ વ્યક્તિને નાતાલના કાર્યક્રમોની પરવાનગી ન આપવામાં આવે,ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ (૨૦૨૧માં થયેલા સુધારા મુજબ)ની કલમ ૨(ક), ર(ખ), ર(ગ), ૨(થ), ૨(ચ), ૪(૨), ૪(ગ) અને કલમ ૭ મુજબ, ગેરકાયદેસર ધર્માંતરણનો ગુન્હો બિન-જામીનપાત્ર બને છે. તેથી, આવા કાર્યક્રમોની પરવાનગી ન આપવી અને પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર આયોજકો અને પાસ્ટરો વિરુદ્ધ ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવે,આદિવાસી વિસ્તાર અનુસૂચિત ૫ (Schedule V) માં આવતો હોવાથી, આવા કાર્યક્રમોને પરવાનગી આપવી ગેરકાયદેસર ગણાય છે.દેવ બિરસા સેનાએ અંતમાં તંત્રને નમ્ર વિનંતી કરી છે કે તેઓ યોગ્ય પગલાં લઈને આવા નાતાલના કાર્યક્રમોને અટકાવે અને આદિવાસીઓનું ધર્માંતરણ અટકાવે, જેથી સમાજની શાંતિ અને સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે. આ આવેદનપત્રની નકલ કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક (SP), PSI આહવા તેમજ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે..





