AHAVADANG

ગિરિમથક સાપુતારામાં લોહિયાળ ખેલ! મિત્રની જ તીક્ષ્ણ હથિયારથી હત્યા, મુખ્ય આરોપી રાઉન્ડઅપ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારામાં મોડી રાત્રે લોહિયાળ ખેલ:- મિત્રો વચ્ચેની બોલાચાલીમાં ૨૭ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અરેરાટીભરી હત્યા,મુખ્ય આરોપી રાઉન્ડઅપ..

ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે ગઇકાલે મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે.સાપુતારાનાં મ્યુઝિયમ નજીક બેંક ઓફ બરોડા (BOB)નાં  ATM પાસે મહારાષ્ટ્રમાંથી સહેલગાહ અર્થે આવેલા મિત્રો વચ્ચે જ બોલાચાલી થતા એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સસનાટી મચી જવા પામી છે.મળતી વિગતો અનુસાર, મહારાષ્ટ્રના નાશિક જિલ્લાનાં સુરગાણા તાલુકામાંથી છ જેટલા યુવક મિત્રો ગિરિમથક સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા. જેમાં ચાર મિત્રો પહેલા આવ્યા હતા અને ત્યારબાદ અન્ય બે મિત્રો પાછળથી જોડાયા હતા.મોડી રાત્રે તમામ મિત્રો સાપુતારા ખાતે BOB ATM નજીક નાસ્તો કરવા બેઠા હતા.આ દરમિયાન ગણેશોત્સવમાં ફાળો આપવા બાબતે તેમજ ગત વર્ષે ગણેશ વિસર્જન વેળાએ થયેલી જૂની તકરારને લઈને મિત્રો-મિત્રો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.આ બોલાચાલી ઉગ્ર બનતા આવેશમાં આવેલા એક યુવકે ૨૭ વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા.ઘટનાને પગલે લોહીલુહાણ થઈ ઢળી પડેલા હેમંત સૂર્યવંશીને તેના બે મિત્રો તાત્કાલિક મોટરસાયકલ પર વધુ સારવારનાં અર્થે મહારાષ્ટ્રના વની ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજા પામેલા હેમંત સૂર્યવંશીનું મોત નીપજ્યું હતુ.આ લોહિયાળ ઘટનાની જાણ થતા જ સાપુતારા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જેમાં ડાંગ એસ.પી.પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.આઈ. જે.કે. બારીયા અને તેમની ટીમે ત્વરિત કામગીરી કરી હત્યા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી કૃણાલ કિરણ પરદેશીને રાઉન્ડઅપ કરી લીધો છે.જ્યારે ઘટના સ્થળે હાજર અન્ય ૪ શંકાસ્પદ યુવકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સાપુતારા પોલીસે આ મામલે મર્ડર (હત્યા)નો ગુનો દાખલ કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવા તથા ઘટનાના ચોક્કસ કારણો અંગે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!