AHAVADANG

ડાંગ જિલ્લાનાં માલેગામ ખાતે ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’દ્વારા નિસ્વાર્થ સેવકોનું ભવ્ય સન્માન..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં માલેગામ(સાપુતારા) સ્થિત ડુંગરો ટેન્ટ સિટી ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.’આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત આ સમારોહમાં સમાજના એવા રત્નોને ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’થી નવાજવામાં આવ્યા હતા, જેઓ કોઈ પણ પ્રસિદ્ધિની ભૂખ વગર નિસ્વાર્થ ભાવે જનસેવા કરી રહ્યા છે.આ વિશેષ આયોજન ગુરુદેવ રવિશંકર મહારાજના 70મા જન્મદિવસ અને સંસ્થાના 45 વર્ષના ભવ્ય સેવાયજ્ઞની ઉજવણીના ઉપલક્ષમાં કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ મહાનુભાવોને સન્માનિત કરાયા હતા.જેમાં આહવા તાલુકાનાં ચિરાપાડા ગામનાં વતની નીતિનભાઈ રામદાસભાઈ રાઉતને ‘યુથ લીડરશિપ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે સતત કાર્યરત છે અને વિવિધ સેમિનારો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોકોને સ્વનિર્ભર બનાવવા માટે પાયાની કામગીરી કરી રહ્યા છે. તેવી જ રીતે,ગોટીયામાળ ગામનાં ત્રિદિપભાઈ ચૌધરીને ‘બિઝનેસ એન્ડ ફિલાન્થ્રોપી એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્રિદિપભાઈ ચૌધરી બછેલ્લા ઘણા વર્ષોથી ગ્રામીણ સ્તરે વડીલો અને યુવાનોને જોડીને વિવિધ સેવાકીય અભિયાનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ્સ માટે સંસ્થા દ્વારા અત્યંત પારદર્શક અને વ્યાપક નામાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિષ્ણાત જ્યુરી સભ્યોએ ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કર્યા બાદ વિજેતાઓની પસંદગી કરી હતી.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, જાખાના જિલ્લા પંચાયત સીટના સદસ્ય શંકરભાઈ પવાર તેમજ આર્ટ ઓફ લિવિંગના અગ્રણી સદસ્ય સુરેશભાઈ ભોયે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવો અને ઉપસ્થિત જનમેદનીએ ગુરુજીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને સત્સંગના મધુર સૂર સાથે આધ્યાત્મિક વાતાવરણમાં આ સન્માન સમારોહ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમે સ્થાનિક યુવાનોમાં સેવા અને સમર્પણની નવી ચેતના જગાવી છે.

Back to top button
error: Content is protected !!