AHAVADANG

ડાંગમાં પીવાના પાણીની ગંભીર કટોકટી:S.U.C.I કમ્યુનિસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલની માંગ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.સમગ્ર જિલ્લામાં પીવાના પાણીની ભારે તંગીને ધ્યાનમાં રાખીને સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) ની ડાંગ જિલ્લા સાંગઠનિક કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને એક સવિસ્તર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં પક્ષ દ્વારા ડાંગના તરસ્યા લોકોને તાત્કાલિક ધોરણે પીવાનું પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનાથી જ પાણીની અછત વર્તાઈ રહી હતી, જે મે મહિનામાં અત્યંત કફોડી બની છે. હાલમાં લોકો અને પશુ-પક્ષીઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં હોવા છતાં છેવાડાના માનવી સુધી પાણી પહોંચતું નથી. અનેક ગામોમાં નળ તો નાખવામાં આવ્યા છે પણ તેમાં પાણી આવતું નથી, જ્યારે હેન્ડપંપો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.એસ.યુ.સી.આઈ. (કમ્યુનિસ્ટ) ની ટીમ દ્વારા લેવામાં આવેલી મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.સુબીર તાલુકાના કિરલી, કડમાળ, આમથવા, ઈશખંડી, જામન્યામાળ, ગૌહાનનું બારીપાડા, ઉગા અને ઝરી જેવા ગામોમાં સ્થિતિ ગંભીર છે.તેવી જ રીતે આહવા તાલુકાના મહાલપાડા, ગલકુંડ, પીપલપાડા, કોટબા, ધવલીદોડ, ગાડવી, જામલાપાડા અને વધઈ તાલુકાના અનેક ગામડાઓમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે.પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રાત્રિના સમયે સેંકડો બહેનો પાણી માટે લાઈનો લગાવીને ઉભી રહે છે અને રાત-રાતભર પાણી મેળવવા માટે ભટકવું પડે છે. ઘણા ગામડાઓમાં લોકો મોટરસાઈકલ કે બળદગાડા પર દૂર-દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે.દિવસોદિવસ વધી રહેલા આ જળ સંકટને રોકવા માટે એસ.યુ.સી.આઈ. એ કલેક્ટરને વિનંતી કરી છે કે જ્યાં પણ પાણીની અછત છે ત્યાં યુદ્ધના ધોરણે પીવા અને વાપરવા માટેના પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી સામાન્ય જનતાને આ હાડમારીમાંથી મુક્તિ મળી શકે..

Back to top button
error: Content is protected !!