આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધામધૂમથી “નવરાત્રિ મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવી
6 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-5 ઓક્ટોબર 2024 ના રોજ નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી , છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા હોદ્દેદારશ્રી ખુમજીભાઈ ચૌધરી, શ્રી નારાયણભાઈ ચૌધરી અને તમામ વિભાગના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો અને ધોરણ-1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ નવરાત્રિ પર્વમાં માઁ અંબેની આરાધના કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ તથા આચાર્યશ્રીઓએ અને તમામ સ્ટાફ મિત્રોએ માઁ અંબાજીની આરતી ઉતારી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શીવાદ માગ્યા હતા. તથા વિદ્યાર્થીઓએ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હર્ષ-ઉલ્લાસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આ સાથે આરતી સજાવટ સ્પર્ધા પણ રખાઈ હતી. જેમાં ધોરણ-1 થી 12 ના 25 વિદ્યાર્થીઓએ ભાગ લઈ બેનમૂન આરતી સજાવટ કરી હતી. જેમાં વિભાગ વાઈઝ બેસ્ટ ઓફ થ્રી નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા આરતી સજાવટમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને વિભાગ વાઈઝ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમનાર બેસ્ટ ઓફ થ્રી વિદ્યાર્થીઓને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના વરદ્દ હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓની પ્રેરણાથી તથા શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી નવરાત્રિ પર્વનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા.