
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ ગામની ૧૬ વર્ષીય કિશોરી, જે અજાણતા મુંબઈ પહોંચી ગઈ હતી,તેને વહીવટી તંત્ર અને પોલીસના સંકલિત પ્રયાસોથી સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવાયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભવાનદગડની સંજના મુકેશભાઈ હિલિમ (ઉંમર ૧૬ વર્ષ) ઘરેથી સુરત જિલ્લાના કોસંબા (હથુરણ) ખાતે ખેતમજૂરી કરતા તેના ભાઈ જયેશ પાસે જવા માટે નીકળી હતી.બિલીમોરા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠા બાદ સંજનાને ઊંઘ આવી જતાં તે ઉતારવાનું સ્ટેશન ચૂકી ગઈ હતી અને છેક મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી.માત્ર ડાંગી અને થોડું ઘણું ગુજરાતી જાણતી આ કિશોરી મુંબઈમાં રસ્તો ભટકી ગઈ હતી. તા. ૨૯/૦૧/૨૦૨૬ના રોજ સાંતાક્રુઝ પશ્ચિમ વિસ્તારમાં તે એકલી ફરતી હોવાનું ધ્યાને આવતા એક સ્થાનિક જાગૃત નાગરિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.મુંબઈ પોલીસે કિશોરીની પૂછપરછ કરતા તેણે પોતાનું રહેઠાણ આહવા-ડાંગ જણાવતા, તેને સુરક્ષિત રીતે અંધેરી સ્થિત ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ (સેન્ટ કેથરિન) ખાતે રાખવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ બાળ કલ્યાણ સમિતિએ ડાંગ પોલીસ અને ડાંગ બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક સાધ્યો હતો. તા. ૦૪/૦૨/૨૦૨૬ના રોજ સંજનાને ડાંગ-આહવા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર કરવામાં આવી હતી. સમિતિ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી અને કિશોરીના કાઉન્સેલિંગ બાદ તેની માતા પ્રેમિલાબેન અને ભાઈ જયેશને તેની સોંપણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવાનદગડ પંચાયતના સરપંચ કિશોરભાઈ ગાવીતની હાજરીમાં આ સોંપણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઘણા દિવસો બાદ પોતાની દીકરીને હેમખેમ પરત મેળવતા માતા પ્રેમિલાબેન ભાવુક થયા હતા અને મુંબઈ પોલીસ,ડાંગ પોલીસ તેમજ ડાંગ બાળ કલ્યાણ સમિતિનો આભાર માન્યો હતો..




