વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે વલસાડ,ડાંગ સહિત નવસારી જિલ્લાના શહેરો તેમજ નાના મોટા ગામડાઓ ભક્તિના રંગે રંગાયા હતા.વહેલી સવારથી જ આ જિલ્લાઓનાં તમામ હનુમાન મંદિરોમાં ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.જય બજરંગ બલીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.અને ભક્તોએ ભાવપૂર્વક તેલ, સિંદૂર અને આંકડાની માળા ચઢાવી ભજન કીર્તન કર્યા હતા.જેનાથી સમગ્ર જિલ્લાઓમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.આ જિલ્લાઓના વિવિધ હનુમાનજીના સ્થાનકોમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો અતૂટ આસ્થા સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી. જુદા જુદા હનુમાનજીના સ્થાનકો પર પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.આ શુભ અવસરે અનેક સ્થળોએ હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું.જ્યારે અનેક મંદિરોમાં મહાઆરતી સાથે ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. દિવસ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં હજારોની સંખ્યામાં હનુમાન ભક્તોએ પંગતમાં બેસીને મહાપ્રસાદીનો લાભ લીધો હતો.આમ, સમગ્ર ડાંગ જિલ્લામાં હનુમાન જયંતિની ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરેક હનુમાન મંદિરોમાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
નવસારી ડાંગ સહિત વલસાડ જિલ્લાના ગામડાઓમાં હનુમાનજી મહારાજની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી ઠેરઠેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાંક સવારે તો ક્યાંક સાંજે મહાપ્રસાદી આયોજન રાખવામાં આવ્યું હતું ભક્તજનો મહાપ્રસાદીનું લાભ લઈ ધન્યતા અનુભવી હતી
જ્યારે વાત કરીએ ડાંગ જિલ્લાની આ દંડકારણ્ય વન પ્રદેશમાં સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં સામાજીક જવાબદારીઓ સાથે હનુમાનજીનાં મંદિરોનાં નિર્માણનો સંકલ્પ લીધો હતો.ઉધોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાનાં સંકલ્પ મુજબ ડાંગ જિલ્લાનાં 100થી વધુ ગામોમાં હનુમાનજીનાં મંદિરોનું નિર્માણ થઈ ગયુ છે.જ્યારે બાકીનાં હનુમાનજીનાં મંદિરો હાલમાં નિર્માણાધીન હેઠળ છે.આજરોજ હનુમાન જંયતીનાં પાવન અવસરે એસ.આર.કે વેલ્ફેર ટ્રસ્ટ સહીત અનેક દાતાઓનાં સથવારે જિલ્લાનાં 100થી વધુ ગામોમાં એક સાથે હવન પૂજન સાથે મહા પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો..