
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના તાજા આંકડા મુજબ, જિલ્લાના મુખ્ય મથક આહવા અને આસપાસના વિસ્તારોમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.વઘઇમાં સૌથી વધુ 41°C તાપમાન નોંધાયું છે, જ્યારે આહવામાં 40°C અને સુબિરમાં 39°C તાપમાન સાથે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને સૂર્યપ્રકાશ સીધો હોવાને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે.બીજી તરફ, રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને ગરમીથી થોડી રાહત મળી છે.ગિરિમથક સાપુતારામાં તાપમાન 36°C નોંધાયું છે અને ત્યાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે અન્ય તાલુકાઓની સરખામણીએ વાતાવરણમાં થોડી ઠંડક અનુભવાઈ રહી છે. જોકે, સમગ્ર જિલ્લામાં હવાની ગુણવત્તા ‘સારી’ શ્રેણીમાં હોવું એ રાહતના સમાચાર છે. ગરમીના આ આકરા મિજાજને જોતા સ્થાનિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઈડ્રેટેડ રહેવા સલાહ આપવામાં આવી રહી છે.





