વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં જમીન ફાળવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.સાપુતારા નોટિફાઇડ કચેરી દ્વારા પૈસા ફેંકો, નિયમો તોડો’ની નીતિ અપનાવીને ખાનગી વ્યક્તિઓને પ્લોટ ફાળવી દેવામાં આવતા સ્થાનિક આદિવાસી પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આદિવાસી પરિવારો, જેમણે સાપુતારાના વિકાસ માટે પોતાની મહામૂલી જમીન ગુમાવી છે, તેમને ધંધા-રોજગાર માટે જગ્યાની માંગણી કરતા તંત્ર દ્વારા નીતિ નિયમો બતાવી જાહેર હરાજીનો રાગ આલાપવામાં આવે છે.જ્યારે બહારની ખાનગી વ્યક્તિઓને કોઈ પણ પ્રક્રિયા કે હરાજી વગર જ કિંમતી પ્લોટ ફાળવી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,સાપુતારા મેડિકલ સ્ટોરની બાજુમાં આવેલી મોકાની જગ્યા પર ખાનગી વ્યક્તિઓ દ્વારા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ખાનગી વ્યક્તિઓનો સાપુતારાના વિકાસમાં કોઈ યોગદાન નથી કે તેમણે જમીન ગુમાવી નથી.તેમ છતાં, તેમને જાહેર હરાજી કે અન્ય કોઈ કાયદેસરની પ્રક્રિયા વિના આ જગ્યા ફાળવી દેવાઈ છે.આ ઘટનાથી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે અને સ્થાનિકો સરકારી નીતિ-નિયમોની સરેઆમ ધજ્જિયાં ઉડાડવામાં આવી રહી હોવાનું જણાવી રહ્યા છે.સરકારી તિજોરીમાં નાણાં જમા થવાને બદલે કોના ગજવામાં જઈ રહ્યા છે, તે તપાસનો વિષય બન્યો છે.રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ સાપુતારાને નોટિફાઇડ બનાવ્યા બાદ હવે તેને વધુ સારી રીતે વિકસાવવા માટે સાપુતારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સાડા)માં સમાવેશ કરવામાં આવ્યો છે.જોકે સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસર કે પૂરતા સ્ટાફની ફાળવણી ન કરાતા સમસ્યાઓનો ભરાવો થયો છે.અહી ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ જેવો વહીવટ ચાલી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડાઈ રહ્યો છે.સાપુતારાના વિકાસમાં જમીન ગુમાવનારા વિસ્થાપિત પરિવારો માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રેંકડી બજાર, બોટિંગ, ટેબલ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર દુકાનો બનાવવામાં આવી છે. જોકે, આ દુકાનો હજુ સુધી ફાળવવામાં આવી નથી. બીજી તરફ, સાપુતારાના વિસ્થાપિત પરિવારો સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિત ધંધા-રોજગાર માટે પ્લોટ કે જગ્યાની માંગણી કરે ત્યારે સ્થાનિક તંત્ર તેમને સરકાર દ્વારા જાહેર હરાજી દ્વારા જ જગ્યા ફાળવવામાં આવશે તેવું જણાવી હાથ અધ્ધર કરી દે છે.હાલ સાપુતારા ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસરની આડમાં સરકારી જમીનોને હરાજી કર્યા વગર ખાનગી વ્યક્તિઓને પૈસાના જોરે લ્હાણી કરવામાં આવી રહી હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોરશોરથી ચાલી રહી છે. સાપુતારા નોટિફાઇડ કચેરીમાં કરોડો રૂપિયાની આવક રળી આપતા પાર્કિંગ, બોટિંગ જેવી એક્ટિવિટી શરૂ કરવા માટે નવા ધારાધોરણ બનાવવામાં આવ્યા છે.ત્યારે મેડિકલ સ્ટોરની બાજુમાં કોના આશીર્વાદથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે ? અને આખરે આ રૂપિયા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે ? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે..