
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન મિલાપને દિન પ્રતિદિન સફળતા મળી રહી છે.ડાંગ જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેઓનાં પરિવાર સાથે મિલાપ કરાવવાની સરાહનીય કામગીરી ડાંગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.ગત તા.22/11/2025નાં રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં ભેંસકાતરી આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતી ધોરણ-8ની ત્રણ દીકરીઓ શાળાનાં સ્ટાફને જાણ કર્યા વગર જ વહેલી સવારે નીકળી ગઈ હતી.જેની શોધખોળ કરતા મળી આવી ન હતી.જેથી શાળા સંચાલકો દ્વારા વઘઇ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.આ બનાવની જાણ થતા જ વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા ગુમ થયેલ ત્રણેય દીકરીઓની શોધખોળ માટે અલગ-અલગ પોલીસ કર્મચારીઓની 10 જેટલી ટીમો બનાવી હતી.અહી વઘઇ પોલીસની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ મેળવતા આ ત્રણેય દીકરીઓ બુહારી ખાતે હોવાની ભાળ મળી હતી.જેથી વઘઇ પોલીસની ટીમ બુહારી ખાતે પોહચી હતી.અને આ ત્રણેય દીકરીઓને શોધી કાઢી તુરંત જ તેઓનું કાઉન્સિલીંગ કરી તેઓનાં વાલી વારસોને બોલાવી આ બાળકીઓને સોંપી દીધી હતી.વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. વી. કે.ગઢવી તથા પી.એસ.આઈ.એચ.આર.મકવાણા સહિત પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ ગુમ એટલે કે નાસી ગયેલ દીકરીઓને શોધી કાઢી ઓપરેશન મિલાપ અંતર્ગત પરિવારજનો સાથે મિલાપ કરાવતા પરિવારજનો સહીત શાળા સંચાલકોએ વઘઇ પોલીસનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી..





