
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં હિટવેવ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.સામાન્ય રીતે કુદરતી સૌંદર્ય અને વર્ષાઋતુમાં ઠંડક માટે જાણીતો આ ડુંગરાળ પ્રદેશ અત્યારે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. અસહ્ય ગરમી અને બફારાના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો એટલી હદે ઉંચકાયો છે કે બપોરના સમયે રસ્તાઓ અને બજારોમાં જાણે સ્વયંભૂ સંચારબંધી હોય તેમ સન્નાટો છવાઈ જાય છે. લોકો ખૂબ જ અનિવાર્ય કામ હોય તો જ ઘરની બહાર નીકળવાનું સાહસ કરી રહ્યા છે, અન્યથા બપોરના સમયે ઘરોમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે.તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, ડાંગ જિલ્લાના વઘઈ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે, જ્યાં પારો અંદાજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, જિલ્લા મથક આહવામાં 40 ડિગ્રી અને સુબીર વિસ્તારમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ નોંધાતા જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે. નવાઈની વાત તો એ છે કે, જે સાપુતારા પોતાની આહલાદક ઠંડક માટે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે, ત્યાં પણ ગરમીની અસર પહોંચી છે.સાપુતારામાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી જતાં ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ ગરમીથી પરેશાન જોવા મળ્યા હતા. ગરમી વધતાની સાથે જ ઠંડા પીણાં અને પાણીની માંગમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે.આ આકરી ગરમીની સૌથી માઠી અસર ખેત મજૂરો, વૃદ્ધો અને નાના બાળકો પર જોવા મળી રહી છે. ખુલ્લામાં મજૂરી કરતા શ્રમિકો માટે આ હિટવેવ જીવલેણ સાબિત થઈ શકે છે, જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી પીવા જેવી સલાહ આપવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પવનોની દિશામાં ફેરફાર નહીં થાય અથવા તાપમાનમાં ઘટાડો નહીં આવે, તો હિટવેવની આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને તેને કારણે આરોગ્યલક્ષી સમસ્યાઓ વધવાની શક્યતા પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે..





