
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પોતાના શાંતિપ્રિય વાતાવરણ અને પ્રકૃતિના અદભુત સૌંદર્ય માટે જાણીતો ડાંગ જિલ્લો છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને જોખમી સ્ટંટબાજી કરનારાઓના કારણે ચર્ચામાં આવ્યો છે. પ્રવાસન સ્થળો અને જાહેર માર્ગો પર બેફામ વાહનો હંકારીને માત્ર પોતાનો જ નહીં, પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકતા તત્વો સામે ડાંગ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ વઘઇ-સાપુતારા ઘાટ રોડ વિસ્તારમાં એક મોંઘીદાટ BMW કાર દ્વારા કરવામાં આવેલી ખતરનાક સ્ટંટબાજીની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વઘઇથી સાપુતારા તરફ જતા બારીપાડા ગામ નજીક આવેલા એક કાચા મેદાનમાં BMW કાર (નંબર: GJ 05 JK 9036) સાથે જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તે રીતે બેફામ અને ખતરનાક સ્ટંટબાજી કરવામાં આવી હતી. આ જોખમી કરતૂતોનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થતાં જ ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી.ડાંગ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સરવૈયા અને તેમની ટીમે વીડિયોના આધારે ત્વરિત તપાસ શરૂ કરી હતી.ટેક્નિકલ સર્વેલન્સ અને વાહનની વિગતો મેળવ્યા બાદ ડાંગ પોલીસની તપાસનો દોર સુરત સુધી પહોંચ્યો હતો. ટ્રાફિક શાખાની ટીમે સુરત ખાતેથી સ્ટંટબાજી કરનાર ૨૦ વર્ષીય યુવક રુદ્ર રાવલને શોધી કાઢ્યો હતો અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ડાંગ પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ અર્થે આ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકને સોંપ્યો છે.સોશિયલ મીડિયા પર માત્ર સસ્તી લોકપ્રિયતા (લાઇક્સ અને વ્યુઝ) મેળવવા માટે જાહેર સ્થળો, પ્રવાસન ધામો અને માર્ગો પર કાયદાનો ભંગ કરનારા સ્ટંટબાજોને આ કાર્યવાહીથી કડક ચેતવણી મળી છે. જાહેર જનતાની સુરક્ષા સાથે રમત કરનારા તત્વોને ડાંગ પોલીસ કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ડાંગ ટ્રાફિક પોલીસની આ પ્રશંસનીય સતર્કતા અને ગણતરીના કલાકોમાં કરાયેલી ત્વરિત કામગીરી હાલ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો અને સરહાનાનો વિષય બની છે.



