ટ્રમ્પના ટેરિફને કારણે ભારતને 38400 કરોડનો ફટકો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ 25 ટકાથી વધારી 50 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 4 જૂનથી લાગુ થશે. જેની ભારત પર માઠી અસર થઈ શકે છે. સ્થાનિક મેટલ ઈન્ડસ્ટ્રી પર બોજો વધવાની ભીતિ સેવાઈ રહી છે. ભારતની અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ માર્કેટમાં નિકાસ મર્યાદિત છે. જો કે, આ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે ટ્રેડ સેન્ટિમેન્ટ અને માગ પર થનારી પ્રતિકૂળ અસરોનો ભોગ ભારત બની શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના જણાવ્યા મુજબ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની લગભગ રુ. 38000 કરોડ (4.56 અબજ ડોલર)ની મેટલ નિકાસ પર અસર પડી શકે છે.
ટ્રમ્પે 30 મેના રોજ જાહેરાત કરી હતી કે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ ૨૫ ટકાથી વધારી 50 ટકા કરવામાં આવશે. આ નિયમ ચાર જૂનથી લાગુ થશે. ટ્રમ્પે આ નિર્ણય અમેરિકાર્ની રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને લીધો છે. ભારતની અમેરિકામાં નાણાકીય વર્ષ 2024-25માં કુલ 4.5 અબજ ડોલરની સ્ટીલ અને એલ્યુમિનિયમ સાથે સંલગ્ન નિકાસ થઈ હતી. તેમા 58.75 મિલિયન ડોલરની નિકાસ આયર્ન ઓર અને સ્ટીલની 3.1 અબજ ડોલરની નિકાસ સ્ટીલ કે તેનાથી બનેલા સામાનની 86 કરોડ ડોલરની નિકાસ એલ્યુમિનિયમ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનની થઈ હતી.
અમેરિકાએ 2024માં 2.8 કરોડ ટન સ્ટીલની આયાત કરી હતી. ભારતની કુલ સ્ટીલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ઓછો છે. પરંતુ કેનેડા અને બ્રાઝિલ ટોપના સપ્લાયર છે. અમેરિકા 50 ટકા ટેક્સ લગાવશે તો ભારતીય ઉત્પાદનો ત્યાં વધારે મોંઘા થશે. તેનાથી ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા ઘટશે અને તેમના કારોબારને નુકસાન થઈ શકે છે. ભારતે આ અંગેની જાણકારી વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને આપી છે. સરકાર વળતું પગલું ભરવાની હું તૈયારીમાં હોવાનું મનાય છે.



