નિરોણા વિસ્તારમાં આઈ.ટી.આઈ. મંજુર કરવા ગ્રામ પંચાયતની માંગણી
વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ટેકનિકલ શિક્ષણ મળે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૯ એપ્રિલ : નખત્રાણા તાલુકાના નિરોણા ગામ સહિત આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર નિરોણા જૂથ ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણ મંત્રીશ્રીને સંબોધીને આઈ.ટી.આઈ. (Industrial Training Institute) શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે નિરોણા ગામ પાવરપટ્ટીનું મુખ્ય કેન્દ્ર છે અને અહીં આશરે ૧૦ હજારથી વધુ વસ્તી વસે છે. ઉપરાંત આસપાસના લગભગ ૩૦ જેટલા ગામોના વિદ્યાર્થીઓ માટે પણ નિરોણા શિક્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલમાં અહીં ધોરણ ૧૨ સુધીની શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ છે, પરંતુ ત્યારબાદ ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ભુજ કે નખત્રાણા જવું પડે છે.આ પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓ આર્થિક અને પરિવહન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરે છે, જેના પરિણામે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દેવા મજબૂર બને છે. આ સમસ્યાના નિરાકરણ માટે નિરોણા ખાતે આઈ.ટી.આઈ. શરૂ થાય તો વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે વિવિધ ટેકનિકલ કોર્સ, જેમ કે ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ વગેરે ક્ષેત્રોમાં તાલીમ મેળવી રોજગારીની તકો વધારવામાં મદદ મળશે.ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમભાઇ (એન.ટી.) આહિર દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આઈ.ટી.આઈ. શરૂ થવાથી આ વિસ્તારમાં ટેક્નિકલ શિક્ષણનો વ્યાપ વધશે તેમજ વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની શકે તે માટે મજબૂત આધાર મળશે.આથી, નિરોણા સહિત સમગ્ર પંથકના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આઈ.ટી.આઈ. મંજુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




