
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ગુજરાત સરકારના’વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ની ફળશ્રુતિ રૂપે ગુજરાતને’કોમનવેલ્થ ગેમ્સ’ નું યજમાનપદ મળ્યું
18 રમતોનું આયોજન થઈ શકે તેવું સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરનાર કચ્છના ભામાશાઓની લોકસેવાને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી.
બિદડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કચ્છમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવા માટે પ્રેરણા રૂપ બનશે.
કચ્છમાં અન્ય તાલુકાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નિમાર્ણના આયોજનમાં સમાજ સેવીઓને તમામ પ્રકારની મદદ માટે રાજ્ય સરકાર તૈયાર રહેશે.
માંડવી,તા-૧૫ ફેબ્રુઆરી : બિદડા કચ્છ યુવક સંઘ સંકુલ ખાતે હરીકો ભવન તથા ૭ એકરમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું આજરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી એ બિદડા ખાતે ૭ એકરમાં ફેલાયેલી સ્પોર્ટ્સ એકેડેમીને કચ્છનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવતા આ એકેડમી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ તૈયાર કરશે તેવો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે ભારત દેશમાં ગુજરાત વિકસિત રાજ્ય તરીકે નંબર વન છે જેનું સૌથી મોટું કારણ એકસંપ થઈને મહેનત કરવા સાથે સાચા માર્ગે પોતાના નાણા વાપરતા ગુજરાતીઓ છે. બિદડા ખાતેના આ આધુનિક સંકુલને ગુજરાતીઓની એકતા તથા સહિયારા પ્રયાસનું ઉદાહરણ ગણાવતા નાયબ મુખ્યમંત્રી એ કચ્છ બહાર વસતા હોવાછતાં પોતાના વતનને ન ભૂલનાર દાતાઓને અભિનંદન આપ્યા હતા. સાથે આવા સેવાકાર્યોથી લોકસેવકોને પણ સામાજિક કાર્યોમાં આગળ વધવાની પ્રેરણા મળતી હોવાનું ઉમેર્યું હતું. બિદડા સ્પોર્ટ્સ સંકુલમાં ૪૦૦ મીટરના ટ્રેકને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ કચ્છના યુવાનોના સપના સાકાર કરતો ટ્રેક ગણાવતા નાયબ મુખ્યમંત્રી એ અહીં સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ સાયન્સ તથા સ્પોર્ટ્સ ફિઝીયો પર પણ ભાર મૂકવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જો કચ્છના દાતાઓ તેમજ સંસ્થાના આગેવાનો કચ્છમાં અન્ય તાલુકામાં પણ આવા સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માંગતી હોય તો રાજ્ય સરકાર તેમને તમામ રીતે મદદરૂપ બનશે તેવી ખાત્રી આપી હતી.વધુમાં નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વિસ્તારમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવા માટે પ્રેરણા રૂપ બનશે. સ્પોર્ટ્સ કલ્ચરના કારણે આવનારી પેઢીમાં અનેક દુષણોને સમાપ્ત કરી શકાશે જે આ વિસ્તારના ગામ, તાલુકા તથા કચ્છ માટે અનોખી ભેટ બની રહેશે. આ સાથે કચ્છ યુવક સંઘના આગેવાનો ની સિનિયર સિટીઝનોને પુનઃ ગામડાઓમાં લાવીને ગામોને જીવંત બનાવવાના પ્રયાસની સરહાના કરતા તેમણે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દેનાર પરિવારજનના નાણાનો કોઈપણ સદકાર્યોમાં ઉપયોગ ન કરવા સહિતના સબકરૂપ મક્કમ નિર્ણયો લેવા પણ હાકલ કરી હતી.ગુજરાત સરકારના’વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ની ફળશ્રુતિ રૂપે ગુજરાતને’કોમનવેલ્થ ગેમ્સ’ નું યજમાનપદ મળ્યું છે ત્યારે કચ્છના યુવાનોને આહ્વાન કરતા નાયબ મુખ્યમંત્રી એ પરસેવો પાડીને 2030 કોમન વેલ્થ માટે તૈયાર થઈ જવા તથા ગુજરાત માટે મેડલ જીતી લાવવા સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કચ્છ યુવક સંઘ એ માત્ર નામ નથી, પણ કચ્છના વિકાસનો સાક્ષી છે. દુકાળમાં રાહત કાર્ય, હોય કે કચ્છમાં રેલવે સુવિધા ની વાત હોય સંસ્થાએ સંઘર્ષ કર્યા છે. તેમણે ‘એન્કરવાલા રક્તદાન અભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં થયેલા ૨,૫૩,૦૦૦ યુનિટ રક્તદાનની સેવાને બિરદાવી હતી. આ સાથે નાયબ મુખ્યમંત્રી એ સંસ્થાની ભૂકંપ પછી ૧૧ ગામડાના પુનર્વસનની કામગીરી જેમાં બોચા’ ગામનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હોવાની વાતનો ઉલ્લેખ કરતા તેમણે આવનારી પેઢીને પ્રેરણા મળે માટે પુનર્વસન થયેલા 11 ગામોનો સંઘર્ષ તેમજ વર્તમાન સફળતાથી વાકેફ કરાવવા વિલેજ ટુર કરાવીને ક્રાઇસીસ મેનેજમેન્ટના પાઠ ભણાવવા તેમણે આગેવાનશ્રીઓને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે સાસંદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહિર, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કચ્છ યુવક સંઘના પ્રમુખ રાહુલભાઈ દેઢીયા, આગેવાન દેવજીભાઈ વરચંદ,સ્પોર્ટ્સ ફેસિલિટી બિલ્ડિંગના દાતા કોમલભાઈ છેડા, હરિકો ભવનના દાતા હરીશભાઈ રવજી છેડા , સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના માતૃશ્રી સરલાબેન શાંતિલાલ શાહ , સ્પોર્ટ્સ એકેડમીના શાંતિલાલ રતનશી પટેલ, અનિલભાઈ ગાલા, નેહાબેન ગરેવાલ, દિલીપભાઈ દેઢિયા, અતુલભાઇ એન્કરવાલા, અનિરુદ્ધભાઈ ગાલા,બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજયભાઈ છેડા, જયંતભાઈ છેડા, સંજયભાઈ એન્કરવાલા, પ્રફુલભાઈ પાસડ સહિત અન્ય દાતાશ્રીઓ તથા આગેવાન હાજર રહ્યા હતા.








