AHAVADANGGUJARAT

સાપુતારાનાં સીઓ ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે નાયબ દંડક વિજયભાઈ પટેલની મુખ્યમંત્રીને રજુઆત..

રાજ્ય સરકાર સાપુતારા નવાગામ વાસીઓની માંગણીને સ્વીકારશે કે પછી આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી ઠાગા ઠૈયા કરશે એ જોવું રહ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા:-ગીરીમથક સાપુતારાનાં નોટીફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલીનો હુકમ રદ કરવા માટે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે પોતાના લેટરપેડ ઉપર મુખ્યમંત્રીને ભલામણ કરી..પેટા:-ગીરીમથક સાપુતારાનાં નોટીફાઇડ એરીયા કચેરીનાં સીઓની બદલીનાં હુકમને રદ કરવા માટે સ્થાનિક ધારાસભ્ય સહીત ડાંગ ભાજપાનાં આગેવાનોએ ગાંધીનગર ખાતે ધામા નાખી સી.એમ સહિત પ્રભારી મંત્રીને ભલામણપત્ર આપી બદલી રદ કરવાની રજુઆત કરી..

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેની નોટીફાઇડ એરીયા કચેરીમાં દસેક વર્ષ બાદ કાયમી ચીફ ઓફીસર તરીકે ડો ચિંતન વૈષ્ણવની નિમણૂક થઈ હતી.સાપુતારામાં કાયમી ચીફ ઓફીસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવની નિમણુક થતાની સાથે જ તેઓએ નિષ્ઠાપૂર્વક કાર્યભાર સંભાળી લેતા પ્રવાસન સ્થળની કાયાપલટ શરૂ થઈ ગઈ હતી.ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવ દ્વારા બે જ મહિનામાં સમગ્ર સાપુતારા સહિત ઘાટમાર્ગને સ્વચ્છ બનાવી દીધો હતો.સાથે સાપુતારા ખાતે ગુલ્લી મારતા કર્મચારીઓ કે પછી બેદરકારી દાખવતા સંચાલકોને શિસ્તબદ્ધ નિયમમાં લાવી દઈ પ્રવાસન સ્થળને નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો હતો.સાપુતારા ખાતે ડૉ ચિંતન વૈષ્ણવ દ્વારા સફળ કામગીરી હાથ ધરાતા ટૂંકા સમયમાં જ સાપુતારાની રોનક વધી ગઈ હતી.સાથે તેઓની કામગીરી ચારે તરફ ઉડીને વળગી રહી હતી.પરંતુ આ નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીની સફળ કામગીરી અમુકને કાંટાની જેમ ખૂંચતા આ અધિકારીની બે જ મહિનામાં બદલી કરી દેવાઈ છે.સાપુતારા ચીફ ઓફીસર ડો ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા ટૂંકા સમયમાં જ ભાવનગર ખાતે ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે બદલી કરી દેવાતા સાપુતારા સહિત નવાગામ વાસીઓ રઘવાયા બન્યા હતા.કાયમી ચીફ ઓફીસરની નિમણુક બાદ નવાગામ વાસીઓના પ્રશ્નો ઉકેલ થશેની લોકોમાં આશા હતી.તે આશા પર પાણી ફરી વળતા લોકો દુઃખી થયા હતા.જેથી સાપુતારાનાં ચીફ ઓફીસર ડો ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે સાપુતારા નવાગામ વાસીઓએ ડાંગ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યુ હતુ.તેવામાં આ પ્રામાણિક સીઓની બદલી રદ ન થતા તેમજ વહીવટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આપતા સાપુતારા નવાગામ વાસીઓએ સાપુતારાને સજ્જડ બંધ,રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જે બાદ સાપુતારા નવાગામ વાસીઓએ ચીફ ઓફીસરની બદલીનાં વિરોધમાં પ્રથમ તબક્કામાં બે દિવસ સુધી સાપુતારા સજ્જડ બંધ પાળ્યુ હતુ.સાપુતારા બે દિવસ સજ્જડ બંધ રહેતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઈ હતી.સાપુતારા સજ્જડ બંધનાં પડઘા છેક ગાંધીનગર સુધી પડતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને સ્થાનિક ભાજપી આગોવાનો સાપુતારા નવાગામ ખાતે દોડી ગયા હતા.અહી નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનોએ ચીફ ઓફીસરની બદલી રદ કરવા બાબતે તેઓ 12મી માર્ચનાં રોજ મુખ્યમંત્રીને રજુઆત કરશેનું જણાવી આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.તેવામાં આજરોજ મંગળવારે ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સાપુતારાનાં નવાગામવાસીઓની લોક લાગણીને ધ્યાનમાં રાખી ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલીનો હુકમ રદ કરવા માટે પોતાના લેટરપેડ ઉપર ડાંગ જિલ્લાનાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભલામણ સાથે રજુઆત કરી છે.આજરોજ આ મુદ્દો ગાંધીનગર ખાતે મંત્રી મંડળની કેબિનેટમાં પણ ચર્ચાયો હતો.પરંતુ સાપુતારા સીઓની બદલી રદનાં મુદ્દે હજી સુધી મુખ્યમંત્રી કક્ષાએથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા પ્રશ્ન પેચીદો બન્યો છે.એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે જ્યારે બીજી તરફ ભાજપાને વરેલ નવાગામ સાપુતારાનાં ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે રાજ્ય સરકાર સાપુતારા નવાગામ વાસીઓની માંગણીને સ્વીકારશે કે પછી આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી ઠાગા ઠૈયા કરશે જે સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!